ગાંધીનગર: લોક રક્ષક દળ(LRD)ના વેઇટિંગ લિસ્ટમાં જેમનું નામ છે તેવી બહેનોનું એક પ્રતિનિધિ મંડળ મંગળવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલને મળ્યા. આ બહેનોનો આક્ષેપ છે કે વેઈટિંગ લિસ્ટમાં તેમનું નામ હોવા છતાં આજ દિન સુધી તેમને નોકરી ન આપીને અન્યાય કરવામાં આવ્યો છે. બહેનોએ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના કાર્યાલય ખાતે બંન્ને નેતાઓ સાથે મુલાકાત કરીને આવેદનપત્ર આપ્યું. આ બહેનોનું કહેવું છે કે, જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં તેમના ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ કરીને નોકરી નહીં આપે તો વિરોધ પ્રદર્શન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે.
વધુમાં બહેનોએ કહ્યું, “લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૮માં લોકરક્ષકની ૬૧૮૯ જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. ત્યારબાદ સરકાર દ્વારા બીજી ૩૫૩૪ જગ્યાઓ વધારીએ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટે સરકારી પરીપત્ર અને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે મુજબ મહિલાઓને ૩૩ ટકા એટલે કે ૧૧૬૩ જગ્યાઓ અને પુરુષોને ૬૭ ટકા એટલે કે ૨૩૬૧ જગ્યાઓ એમ કુલ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાની જગ્યામાં વધારો કરીને ફાઇનલ મહિલા રીઝલ્ટ ૦૮/૦૫/૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ તા.૨૨/૦૪/૨૦૨૨ ના વીડિયો કોન્ફરન્સથી LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટિંગ લીસ્ટની જાહેરાત કરવામાં આવી. જેમાં 1112 મહિલા ઉમેદવાર તથા 1327 પુરૂષ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. આ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફિકેશન પણ કરવામાં આવ્યા હતા અને તમને જલદી નોકરી માટે બોલાવવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું.”
આ પ્રતિનિધી મંડળનું કહેવું છે કે,” વેઈટિંગ લિસ્ટવાળા ઉમેદવારોને આજદિન સુધી નોકરી મળી નથી અને બીજી તરફ ખાનગી ધોરણે ૧૪૭ મહિલા ઉમેદવાર અને ૨૧૨ પુરુષ ઉમેદવારની ભતી કરવામાં આવી હતી. જેથી આ ઉમેદવારોએ તા.૦૯/૦૮/૨૦૨૨ના રોજ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરતા ૫૬ બેહનો અને ૨૩ ભાઈઓને તેમના પરિવારને જાણ કર્યા વિના સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી વગર સેન્ટ્રલ જેલ ખાતે ૫ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. તેમ છતાં આજદિન સુધી તેઓને કોઈ ન્યાય મળેલ નથી. તેમજ હર્ષ સંઘવી દ્વારા આ બાબતે કોઇપણ પ્રકારનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવતો નથી.”