EMI નહીં ચૂકવો તો લોક થઈ જશે તમારો સ્માર્ટફોન?

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક RBI નાની લોન પર ડિફોલ્ટ કરનાર ગ્રાહકોના મોબાઇલ ફોનને દૂરથી લોક (Remotely lock) કરવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. આ પગલાનો હેતુ બેડ લોન અટકાવવાનો છે. જોકે આ કારણે ગ્રાહક અધિકારો અંગે ચિંતાઓ વધી છે. દેશમાં એક તૃતીયાંશથી વધુ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, જેમાં મોબાઇલ ફોન પણ સામેલ છે, સ્મોલ-ટિકિટ લોન પર ખરીદવામાં આવે છે.

હોમ ક્રેડિટ ફાઇનાન્સની 2024ના એક અભ્યાસ મુજબ દેશમાં એક તૃતીયાંશથી વધુ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, જેમાં મોબાઇલ ફોન સામેલ છે, સ્મોલ-ટિકિટ લોન પર ખરીદવામાં આવે છે. 1.4 બિલિયનથી વધુ વસ્તી ધરાવતા દેશમાં 1.16 બિલિયનથી વધુ મોબાઇલ કનેક્શન છે.

કેવી રીતે થાય છે ફોન લોક

ગયા વર્ષે RBIએ લોન આપનારી બેંકોને ડિફોલ્ટ કરનાર ગ્રાહકોના ફોન લોક કરવાથી રોકવા માટે કહ્યું હતું. તે સમયે લોન જારી કરતી વખતે એક એપ ઇન્સ્ટોલ કરવામાં આવતી હતી, જેના માધ્યમથી ફોનને લોક કરવામાં આવતો હતો, એમ સૂત્રોએ કહ્યું હતું.

હવે લેન્ડર્સ સાથે ચર્ચા કર્યા બાદ RBI આવતા મહિનાઓમાં ફેર પ્રેક્ટિસ કોડમાં ફેરફાર કરી ફોન-લોકિંગ સંબંધિત ગાઇડલાઇન જારી કરે એવી શક્યતા છે. નવા નિયમોમાં લોન લેનારાઓની પૂર્વ-સંમતિ લેવી ફરજિયાત રહેશે અને ફોન લોક થવાની સ્થિતિમાં પણ તેમની ખાનગી માહિતી સુધી લેણદારની પહોંચ નહીં હોય.

શા માટે લેવાઈ રહ્યું છે આ પગલું

RBIને સુનિશ્ચિત કરવું છે કે ધિરાણકર્તા નાની લોનની વસૂલી કરી શકે અને એ સાથે ગ્રાહકોના ડેટાની સુરક્ષા પણ જળવાય. જો આ નિયમ લાગુ થશે તો બજાજ ફાઇનાન્સ, DMI ફાઇનાન્સ અને ચોલામંડલમ ફાઇનાન્સ જેવા મોટા કન્ઝ્યુમર લોન આપનારાઓને વસૂલી વધારવામાં અને નબળી ક્રેડિટ પ્રોફાઇલ ધરાવતા ગ્રાહકોને લોન આપવામાં સરળતા રહેશે.

લોન પર સૌથી વધુ મોબાઇલ ફોન

ક્રેડિટ બ્યુરો CRIF હાઈમાર્ક અનુસાર એક લાખ રૂપિયાથી ઓછી લોનમાં ડિફોલ્ટનું સૌથી વધુ જોખમ છે. નોન-બેંક લેન્ડર્સ કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં 85 ટકા હિસ્સો ધરાવે છે. RBIના આંકડા અનુસાર ભારતની બેંકિંગ સિસ્ટમમાં પર્સનલ લોન કુલ નોન-ફૂડ ક્રેડિટનું લગભગ એક-તૃતીયાંશ ભાગ છે, જેમાં ઇલેક્ટ્રોનિક સામાન જેમ કે મોબાઇલ ફોન માટે આપવામાં આવતી લોન ઝડપથી વધી રહી છે.