બેંગલુરુઃ ભારતીય રાજકારણમાં હાલ અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસમાં આંતરિક ઝઘડા કોઈ નવી વાત નથી. હવે કર્ણાટકમાં CM સિદ્ધારમૈયા અને ઉપ CM ડી.કે. શિવકુમાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણે પાર્ટીના હાઈકમાન્ડને પણ ચિંતામાં મૂકી દીધા છે. CMની ખુરસી માટે શરૂ થયેલી આ લડાઈએ રાજસ્થાનમાં ભૂતપૂર્વ CM અશોક ગહેલોત અને તેમના ડેપ્યુટી CM સચિન પાયલટ વચ્ચેના ઝઘડાની યાદ તાજી કરી દીધી છે.
સિદ્ધારમૈયા શિવકુમાર વચ્ચે ખેંચતાણ વધી?
ડીકે શિવકુમાર જૂથ દાવો કરે છે કે 2023માં કોંગ્રેસ હાઇ કમાન્ડે અઢી-અઢી વર્ષની સત્તા ફોર્મ્યુલાને લઈને સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની વચ્ચે સહમતી બની હતી. શું આ વ્રષના અંતે કર્ણાટકમાં સત્તા પરિવર્તન થશે?
કર્ણાટકમાં હાલમાં ફરી એક વાર આ ખેંચતાણ બહાર આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય ઇકબાલ હુસૈને દાવો કર્યો છે કે ડી.કે. શિવકુમાર ટૂંક સમયમાં કર્ણાટકના CM બને એવી શક્યતા છે. તેમણે તો અહીં સુધી કહી દીધું કે કોંગ્રેસના 100થી વધુ ધારાસભ્યો શિવકુમારને CM તરીકે જોવા માગે છે.
જોકે સિદ્ધારમૈયાના સમર્થકોએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. કેટલાંક સૂત્રોના મતે 2023માં શિવકુમારને CM બનાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ સિદ્ધારમૈયાની લોકપ્રિયતા અને ધારાસભ્યોનો ટેકો તેમને લાભદાયક રહ્યો હતો. સોશિયલ મિડિયા પર પણ ચર્ચા છે કે જો કોંગ્રેસ આ ટેન્શનને હલ નહીં કરી શકે તો શિવકુમાર પોતાની રાજકીય શક્તિથી સરકારને અસ્થિર બનાવી શકે છે.
સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચેના મતભેદ 2018થી ચાલ્યા આવે છે, જયારે બંને CMપદના દાવેદાર હતા. 2022માં રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાના 75મા જન્મદિન સમારોહમાં તેમની પ્રશંસા કરી હતી અને બંને નેતાઓને એકસાથે રહેવાની સલાહ આપી હતી. તેમ છતાં શિવકુમારના સમર્થકો માને છે કે તેમની સંગઠનાત્મક ક્ષમતા અને જીતમાં ભજવેલ ભૂમિકા જોવા મળતી નથી. બીજી તરફ, સિદ્ધારમૈયા સમર્થકો માને છે કે તેમની જનતામાં લોકપ્રિયતા અને અનુભવ તેમને CM પદ માટે યોગ્ય વિકલ્પ બનાવે છે.
