નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની શક્યતા અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. એવી ચર્ચા ચાલી રહી છે કે મલેશિયામાં પાંચ દિવસ પછી યોજાનાર આસિયાન શિખર સંમેલન (ASEAN Summit)માં PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ મળવાની શક્યતા છે. આ મુદ્દાને લઈને ભારતથી લઈને અમેરિકા સુધી રાજકીય હલચલ જોવા મળી રહી છે.
મલેશિયામાં આવનારા રવિવારથી (26 ઓક્ટોબર, 2025) આસિયાન શિખર સંમેલનની શરૂઆત થવાની છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંમેલનમાં વિશ્વના બે શક્તિશાળી દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત થવાની શક્યતાને લઈને અહેવાલો અને અટકળોનું બજાર ગરમ છે.
અમેરિકા અને ભારતની સરકારે હજી સત્તાવાર જાહેરાત કરી નથી
મલેશિયાની સરકારે પહેલેથી જ ખાતરી આપી છે કે આસિયાન શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે. જોકે વ્હાઇટ હાઉસ તરફથી હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેવી જ રીતે ભારત સરકારે પણ હજી સુધી આ બાબતની પુષ્ટિ કરી નથી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંમેલનમાં ભાગ લેશે કે નહીં.
ટ્રમ્પ-મોદીની સંભાવિત મુલાકાત શા માટે?
મલેશિયામાં થનારા આસિયાન સમિટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને PM મોદીની સંભાવિત મુલાકાતને લઈને ચર્ચા તેજ છે, ખાસ કરીને ભારત પર અમેરિકન ટેરિફ (કર) અંગેના તણાવ વચ્ચે. આ ચર્ચા પાછળનાં ઘણાં કારણો છે, જેમાં મુખ્ય છે કે નવેમ્બર 2025માં જોહાનિસબર્ગમાં યોજાનારા G20 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીની શક્યતા ઓછી છે. બીજી તરફ, ક્વાડ દેશો વચ્ચેની આગામી શિખર બેઠકની તારીખ હજી નક્કી થઈ નથી. આવી પરિસ્થિતિમાં, મલેશિયામાં થનારું આ સંમેલન બંને નેતાઓની મુલાકાત માટે એક મહત્વપૂર્ણ તક બને એવી શક્યતા છે.
