નવી દિલ્હીઃ શેખ હસીનાની સરકાર પતન પછી એક વાર ફરીથી બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ આવવાની શક્યતા છે. ઘણા સમયથી સરકાર અને સેના વચ્ચે ચાલી રહેલી તણાવભર્યા સંબંધોના પગલે બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસના રાજીનામાના અહેવાલો છે, જેના કારણે બાંગ્લાદેશનું રાજકારણ ગંભીર સંકટમાં મુકાય એવી શક્યતા છે.
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ માટે અસરકારક રીતે કામ કરવું સતત મુશ્કેલ બની રહ્યું છે. જેને કારણે તેઓ રાજીનામું આપવાની વિચારણા કરી રહ્યા છે. ગુરુવાર સાંજે નેશનલ સિટિઝન પાર્ટી (NCP)ના સંયોજક નાહિદ ઇસ્લામે મહમ્મદ યુનૂસ સાથે મુલાકાત કરી.
મુલાકાત પછી નાહિદે જણાવ્યું હતું કે યુનુસસાહેબે મને કહ્યું હતું કે મને બંધક બનાવવામાં આવ્યો છે, હું આ રીતે કામ નથી કરી શકતો. શું તમામ રાજકીય પક્ષો એકમત થઈ શકતા નથી?
યુનુસના નેતૃત્વ હેઠળ રચાયેલી અંતરિમ સરકારને રાજકીય પક્ષોનો પૂરતો ટેકો નથી મળતો. પક્ષો વચ્ચેના સંઘર્ષ અને અસહમતીઓને કારણે સરકારના નિર્ણયો અસરકારક રીતે અમલમાં આવી શકતા નથી. પરિણામે, શાસન કાર્યમાં વિઘ્નો ઊભાં થઈ રહ્યાં છે અને યુનુસ માટે શાસન કરવું મુશ્કેલ બન્યું છે.
વચગાળાની સરકાર રચાયા બાદથી બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો, ખાસ કરીને હિંદુ સમુદાય પર હુમલાઓ વધી ગયા છે. યુનુસે વારંવાર ચેતવણી આપી છે કે જો આ હિંસા નહીં અટકે તો તેઓ રાજીનામું આપી દેશે. તેમનું માનવું છે કે શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમાજની સ્થાપના વિના શાસન કરવું શક્ય નથી.
Mohammad Yunus will resign in few days #Bangladesh #Yunus pic.twitter.com/q1ASlI77Di
— Sahil Malik (@sahilmalik0909) May 23, 2025
બાંગ્લાદેશની સેના અને અંતરિમ સરકાર વચ્ચે મતભેદ વધી રહ્યા છે. સેના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાને ડિસેમ્બરમાં ચૂંટણી કરવાની માગ કરી છે, જ્યારે સરકાર તારીખ નક્કી કરવામાં નિષ્ફળ રહી છે. આ ઉપરાંત સેનાએ મ્યાનમાર સાથે જોડાયેલી ‘રખાઇન કોરિડોર’ યોજના સામે વિરોધ વ્યક્ત કર્યો છે, જેના કારણે સરકાર અને સેના વચ્ચેનો તણાવ વધુ ઘેરો થયો છે.
