ઝારખંડમાં પણ તૂટશે શું ઇન્ડિયા એલાયન્સ? : JMM નારાજ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ઇન્ડિયા એલાયન્સ માટે ઝારખંડ મુકિત મોરચા (JMM)ની નારાજગીએ નવા રાજકીય સંકેતો આપી દીધા છે. ઝારખંડ સરકારના મંત્રી અને ગિરિડીહના ધારાસભ્ય સુદિવ્ય કુમાર સોનુએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું છે કે JMM બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાગ નહીં લે.

એ સાથે જ તેમણે કહ્યું કે મહાગઠબંધનના કોઈ પણ ઉમેદવારના સમર્થનમાં તેઓ પ્રચાર પણ નહીં કરે. હવે જોવાનું એ રહ્યું છે કે ઝારખંડમાં પણ ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન તૂટશે કે નહીં.

JMMએ બિહારમાં ચૂંટણી ન લડવાનો લીધો નિર્ણય

તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને RJDએ ગઠબંધન ધર્મનું પાલન ન કરવાને કારણે પાર્ટીએ આ નિર્ણય લીધો છે. તેમના કહેવા મુજબ બિહારની બેઠક વહેંચણી અને અન્ય વ્યવસ્થાઓમાં JMMને ઊલઝાવી રાખવામાં આવી અને અંતિમ ક્ષણે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે પાર્ટીને ચૂંટણીમાંથી અલગ થવું પડ્યું. તેમણે આક્ષેપ કર્યો હતો કે જેમ ઝારખંડમાં કોંગ્રેસ અને RJDને “મોટા ભાઈ”ની ભૂમિકા આપીને બેઠક વહેંચવામાં સહયોગ અપાયો હતો, તેવી જ રીતે બિહારમાં JMM સાથે અન્યાય થયો છે.

કોંગ્રેસે JMMના પક્ષમાં ન લીધું સ્પષ્ટ સ્ટેન્ડ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે JMMના પક્ષમાં કોઈ સ્પષ્ટ સ્થિતિ લીધી નથી, ન તો મધ્યસ્થતાનો પ્રયાસ કર્યો છે. આ કારણે JMMએ બિહારમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે RJD અને કોંગ્રેસ બંને જવાબદાર છે. ઝારખંડના CM હેમંત સોરેનના નેતૃત્વ હેઠળ JMMએ બિહારમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પાર્ટીએ કહ્યું  હતું કે તે કોઈ ગઠબંધનનો ભાગ નહીં બને અને માત્ર છ વિધાનસભા બેઠકો — ચકાઈ, ધમદાહ, કટોરિયા, મનિહારી, જામુઈ અને પીરપૈંથી — પરથી પોતાના ઉમેદવારો ઉતારશે.

JMMના મહાસચિવ સુપ્રીમો ભટ્ટાચાર્યે જણાવ્યું કે આ સરહદી વિસ્તારોમાં પાર્ટીનો જનાધાર સતત વધી રહ્યો છે અને તેમનું મુખ્ય ધ્યાન આદિવાસી તથા વંચિત વર્ગના મુદ્દાઓને આગળ લાવવા પર રહેશે.