હેલ્થ, લાઇફ અને ટર્મ ઇન્શ્યોરન્સ થશે સસ્તા?

નવી દિલ્હીઃ આ વર્ષે ઓક્ટોબર એટલે કે દિવાળીના આસપાસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાઓ સાથે જ ઇન્શ્યોરન્સ પોલિસી પર લાગતો ટેક્સ ખતમ થઈ શકે છે. અથવા તો ઓછામાં ઓછો પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવી શકે છે. આ ઘટાડા સાથે ઇન્શ્યોરન્સ પહેલેથી વધુ કિફાયતી બનશે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ પગલાથી લાખો લોકોની આર્થિક સુરક્ષામાં સુધારો થશે અને ભારતમાં ઇન્શ્યોરન્સ અપનાવવાની ગતિ તેજ થશે.

ઇન્શ્યોરન્સ પર લાગતા GSTમાં ઘટાડાની રાહ લાંબા સમયથી જોવામાં આવી રહી હતી અને સરકાર હવે આ બાબતે ગંભીરતાથી વિચાર કરી રહી છે. આમ થવાથી સરકારને વાર્ષિક આવકમાં આશરે 17,000 કરોડ રૂપિયાની ખોટ થવાની શક્યતા છે. તે સિવાય, ઇન્શ્યોરન્સ કંપનીઓમાં પણ આ અંગે ચિંતા છે કે જો ઇન્શ્યોરન્સ પરથી GSTને પૂરેપૂરો ખતમ કરી દેવામાં આવશે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો ખતમ થઈ જશે, જેને કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે ઓપરેટિંગ ખર્ચ વધી જશે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પર 18 ટકા GST

ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો લાંબા સમયથી હેલ્થ, ટર્મ અને ULIP ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતા 18 ટકા GSTની ટીકા કરતા આવ્યા છે. ખાસ કરીને હેલ્થ અને ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પર લાગતો GST ખતમ કરવાની માગ કરવામાં આવી છે. જો સરકાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતો આ ટેક્સ ખતમ કરે છે અથવા ઘટાડીને 5 ટકા લાવે છે તો તેનાં પરિણામો દૂરગામી થઈ શકે છે.

ઇન્શ્યોરન્સ બ્રોકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (IBAI)ના નરેન્દ્ર ભરિંદવાલ અનુસાર ઇન્શ્યોરન્સ પરથી GST ખતમ થતાં પોલિસીધારકો માટે પ્રીમિયમની કિંમત ઓછી થઈ જશે અને લાઇફ, હેલ્થ અને જનરલ ઇન્શ્યોરન્સ ક્ષેત્રોમાં ઇન્શ્યોરન્સ વધુ કિફાયતી બનશે અને તેને પ્રોત્સાહન મળશે.