નવી દિલ્હીઃ સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના આઠ લોકસભા સભ્યો સામે વિશેષાધિકાર હનન (Privilege Motion) અને સંસદની અવમાનનાની નોટિસ આપી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આ નોટિસ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ સાંસદો સામે મોટી કાર્યવાહી થઈ શકે છે.
શું છે આખો વિવાદ?લોકસભામાં વીબી-જી રામ જી વિધેયક (VB-G Ram Ji Bill) પર ચર્ચા દરમિયાન આ વિવાદ શરૂ થયો. આ વિધેયક 20 વર્ષ જૂના મનરેગા (MGNREGA) કાયદાની જગ્યાએ લાવવામાં આવ્યું છે. જ્યારે કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિધેયક પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા, ત્યારે વિરોધ પક્ષે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.
આરોપ છે કે કોંગ્રેસના સાંસદોએ સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન કરી સંસદની વચ્ચોવચ સુધી પહોંચ્યા ઙતા અને વિધેયકની નકલો ફાડી અને વિરોધ દર્શાવવા માટે મેજ પર ઊભા રહ્યા હતા.
કયા આઠ સાંસદો?
દુબેએ નોટિસમાં કોંગ્રેસના નીચેના સભ્યોનાં નામ દર્શાવ્યાં છે:
- હિબી ઇડન
- ડીન કુરિયાકોસ
- એસ. મુરાસોલી
- કે. ગોપીનાથ
- શશિકાંત સેનથિલ
- શફી પરમ્બિલ
- એસ. વેંકટેશન
- જોતિમણિ
‘અશોભનીય વર્તન અને કાર્યમાં અવરોધ’
નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષને સોંપેલા પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો આરોપ છે કે આ સાંસદોએ શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદના અધિકારીઓને તેમના સંવિધાનિક ફરજો બજાવવા રોક્યા.
દુબેએ આને સ્પીકરના અધિકારોની અવગણના અને સામૂહિક રીતે સંસદની અવમાનના ગણાવી છે. તેમણે અધ્યક્ષને વિનંતી કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આ સાંસદો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે.
વિધેયક પર ટકરાવ
કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો નવા વિધેયકનો કડક વિરોધ કરી રહ્યા છે. વિરોધ પક્ષનો દાવો છે કે વીબી-જી રામ જી વિધેયક ગ્રામીણ રોજગાર ગેરંટીની મૂળ ભાવનાને નબળી બનાવશે, જ્યારે સરકાર તેને મનરેગાનું આધુનિકીકરણ અને વધુ પારદર્શિતા તરફનું મોટું પગલું ગણાવી રહી છે.




