કોણ છે એ મહિલા ડિરેક્ટર પાયલ કાપડિયા જેણે જીત્યો કાન્સનો મહત્વનો એવોર્ડ

મુંબઈ: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ભાકરતીય લાઈમ લાઈટમાં રહ્યાં છે. પાયલ કાપડિયાની ફીચર ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ 23 મેના રોજ 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કોમ્પિટિશન સેક્શનમાં પ્રીમિયર કરવામાં આવી હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં 30 વર્ષ પછી એક ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ કોમ્પિટિશન સેક્શનમાં બતાવવામાં આવેલી પ્રથમ ભારતીય ફિલ્મ છે. 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે એક અદભૂત એવોર્ડ ફંક્શન યોજાયું હતું, જ્યાં ભારતીય ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ એ ઇતિહાસ રચ્યો હતો. પાયલ કાપડિયાની ફિચર ફિલ્મે આ ફેસ્ટિવલમાં ‘ગ્રાન્ડ પ્રિક્સ’ એવોર્ડ જીત્યો છે. તમને જણાવી દઈએ કે ‘ગ્રાન્ડ પ્રિકસ પામ ડી’ એવોર્ડ ફિલ્મ ફેસ્ટિવલનો બીજો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. ફિલ્મને કાન્સમાં 8 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. જાણીએ કોણ છે પાયલ કાપડિયા?

કોણ છે પાયલ કાપડિયા

પાયલ કાપડિયા એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક છે, જેની ફીચર ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સ્પર્ધામાં પહોંચી હતી. ફીચર ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ એ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દરેકના દિલ જીતી લીધા. પાયલની આ ફિલ્મની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. કાન્સ ફેસ્ટિવલમાં ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’નું પ્રીમિયર થયું હતું, જેના વખાણમાં ત્યાં હાજર લોકોએ 8 મિનિટ સુધી સતત ઊભા રહીને તાળીઓ પાડી હતી. આ ફિલ્મના ઉત્કૃષ્ટ નિર્દેશનનો શ્રેય પાયલ કાપડિયાને જાય છે. અગાઉ, પાયલની ફિલ્મ ‘અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ’ને 2021માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે ‘ગોલ્ડન આઈ’ એવોર્ડ મળ્યો હતો. તેમની ફિલ્મ આફ્ટરનૂન ક્લાઉડ્સ એક ભારતીય ફિલ્મ હતી જે 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી હતી. તેણે તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગ્રાન્ડ પ્રિક્સ’ એવોર્ડ જીત્યો છે.

અંગત જીવન

પાયલ કાપડિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. પાયલની માતાનું નામ નલિની માલાની છે. પાયલે તેનો અભ્યાસ આંધ્ર પ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. આ પછી પાયલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તેણે સોફિયા કોલેજમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. આ પછી પાયલ કાપડિયાએ ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થામાંથી દિગ્દર્શનનું કૌશલ્ય શીખ્યું.

‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ની વાર્તા

‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ એક ફીચર ફિલ્મ છે. તેની વાર્તા બે નર્સો (પ્રભા અને અનુ) પર આધારિત છે, જેઓ સાથે રહે છે. પ્રભાના લગ્ન નક્કી થયા હતા અને તેનો પતિ વિદેશમાં રહે છે. બીજી તરફ અનુના લગ્ન થયા નથી, પરંતુ તે એક છોકરાના પ્રેમમાં છે. પ્રભા અને અનુ તેમના બે મિત્રો સાથે ટ્રિપ પર જાય છે, જ્યાં તે પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરે છે અને સ્વતંત્રતાનો અર્થ સમજે છે. કની કુશ્રુતિ, દિવ્યા પ્રભા, રિધુ હારુન, છાયા કદમ અને અઝીસ નેદુમંગદ જેવા સ્ટાર્સે આ ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર પોસ્ટ શેર કરી પાયલ કાપડિયાની પ્રશંસા કરી છે.


શોર્ટ ફિલ્મને 2021માં કાન્સમાં એવોર્ડ મળ્યો હતો

પાયલ કાપડિયાએ 2014 થી 2024 સુધી ચાર શોર્ટ ફિલ્મો બનાવી છે. તેણે ‘અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ’ નામની ટૂંકી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેને 2021માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન આઈ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તેમની શોર્ટ ફિલ્મોમાં ‘એન્ડ વોટ ઈઝ ધ સમર સેઈંગ’, ‘ધ લાસ્ટ મેંગો બિફોર ધ મોનસૂન’, ‘આફ્ટરનૂન ક્લાઉડ્સ’ અને ‘વોટરમેલન, ફિશ એન્ડ ધ હાફ ઘોસ્ટ’નો સમાવેશ થાય છે.