FBIના નવા ડિરેક્ટર કાશ પટેલ કોણ છે? શું છે ગુજરાત સાથેનું જોડાણ?

વોશિંગ્ટન: ગુરુવારે રિપબ્લિકન-નિયંત્રિત યુ.એસ. સેનેટે 51-49 મતથી મંજૂરી આપ્યા બાદ, કશ્યપ ‘કાશ’ પટેલ હવે પ્રથમ ભારતીય મૂળના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળવા માટે તૈયાર છે. રાષ્ટ્રપતિના સહાયક અને વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ જણાવ્યું હતું કે યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે FBIના નવમા ડિરેક્ટર તરીકે કાશ પટેલની પુષ્ટિ કરવા માટે કમિશન પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કર્યા છે.

વ્હાઇટ હાઉસે નવા FBI ડિરેક્ટર તરીકે કાશ પટેલની પુષ્ટિનું સ્વાગત કર્યું છે, તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અખંડિતતા પુનઃસ્થાપિત કરવાના એજન્ડાને અમલમાં મૂકવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. અત્યાર સુધી, સેનેટે ડોનાલ્ડ ટ્રમ્પના તમામ કેબિનેટ પસંદગીઓને મંજૂરી આપી છે, જે રિપબ્લિકન પાર્ટી પર તેમની લોખંડી પકડ પર ભાર મૂકે છે.

કાશ પટેલ કોણ છે

1980માં ન્યૂયોર્કમાં ગુજરાતી માતા-પિતાના ઘરે જન્મેલા, કાશ પટેલ પૂર્વ આફ્રિકામાં ઉછર્યા હતા. તેઓ લોંગ આઇલેન્ડની ગાર્ડન સિટી હાઇ સ્કૂલમાંથી સ્નાતક થયા છે. તેમના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોફાઇલ મુજબ, કાશ પટેલે રિચમંડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી ન્યૂયોર્ક પાછા ફર્યા અને પછી યુનાઇટેડ કિંગડમમાં યુનિવર્સિટી કોલેજ લંડન ફેકલ્ટી ઓફ લૉમાંથી કાયદાની ડિગ્રી અને આંતરરાષ્ટ્રીય કાયદામાં પ્રમાણપત્ર મેળવ્યું છે. કાશ પટેલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સ (HPSCI) માટે વરિષ્ઠ સલાહકાર તરીકે પણ સેવા આપી છે.

કાશ પટેલના વડવાઓ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામના મોતી ખડકી વિસ્તારમાં મહાદેવ ફળિયાના રહેવાસી હતા. કાશના દાદા – રમેશભાઈ પટેલનો પરિવાર 1940ના દાયકામાં યુગાન્ડા ગયા હતા. કાશના પિતા પ્રમોદ આઠ ભાઈ અને ત્રણ બહેનોમાંના એક છે. યુગાન્ડાથી 1970માં નીકળ્યા બાદ પરિવાર કેનેડા ગયો હતો અને ત્યાર બાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા. કાશ પટેલના પિતા પ્રમોદ પટેલ યુગાન્ડમાં સુગર મિલમાં કામ કરતા હતા. તેમના માતાનું નામ અંજના પટેલ છે.

કાશ પટેલની ગર્લફ્રેન્ડ કોણ છે?

એલેક્સિસ વિલ્કિન્સ કાશ પટેલની ગર્લફ્રેન્ડ છે. તે એક ગાયિકા, લેખિકા અને વિવેચક છે. તેણીએ રિપબ્લિકન પ્રતિનિધિ અબ્રાહમ હમાડે માટે પ્રેસ સેક્રેટરી તરીકે કેપિટોલ હિલમાં નોકરી પણ કરી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સ પ્રથમ વખત ઓક્ટોબર 2022માં રૂઢિચુસ્ત રીઅવેકન અમેરિકા કાર્યક્રમમાં મળ્યા હતા અને 2023ની શરૂઆતમાં ડેટિંગ શરૂ કર્યું હતું.એલેક્સિસ વિલ્કિન્સ ‘વેટરન્સ એન્ડ વેટરન્સ’ કારણો માટે મજબૂત હિમાયતી રહી છે. તેણીએ વોરિયર રાઉન્ડ્સ, ઓપરેશન સ્ટેન્ડડાઉન અને સોલ્જર્સ ચાઇલ્ડ જેવી સંસ્થાઓ સાથે નિવૃત્ત સૈનિકોને મદદ કરવા માટે કામ કર્યું છે.

ચાર્જ સંભાળીને શું કહ્યું?

FBIના ડિરેક્ટર તરીકે સેનેટ દ્વારા તેમની પુષ્ટિ થયા પછી, કાશ પટેલે તેમનો આભાર વ્યક્ત કર્યો અને એજન્સીને ‘પારદર્શક, જવાબદાર અને ન્યાય માટે પ્રતિબદ્ધ’ બનાવવાનું વચન આપ્યું. US સેનેટ પુષ્ટિ સુનાવણીમાં કાશ પટેલ તેમના માતા-પિતા, બહેન અને ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિન્સ સાથે હતા.

કાશ પટેલે સુનાવણી પહેલાં તેમના માતા-પિતાના પગ સ્પર્શ કરતા નમન કર્યું. જે હિન્દુ સંસ્કૃતિમાં આદરનો પરંપરાગત સંકેત છે. તેમણે સેનેટ ન્યાયતંત્ર સમિતિ સમક્ષ તેમના માતા-પિતાનો પરિચય કરાવ્યા પછી ‘જય શ્રી કૃષ્ણ’ સાથે તેમના માતા-પિતાનું સ્વાગત પણ કર્યું.

સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા તેમને ક્યારેય જાતિવાદનો સામનો કરવો પડ્યો છે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં, કાશ પટેલે કાયદા નિર્માતાઓને કહ્યું કે તેઓ ખરેખર જાતિવાદનો ભોગ બન્યા હતા. “દુર્ભાગ્યવશ, સેનેટર, હા. હું અહીં મારા પરિવાર સાથે તે વિગતોમાં જવા માંગતો નથી,” તેમણે કહ્યું.