પડોશી દેશોમાં જે થઈ રહ્યું છે તે કોઈ સંયોગ નથીઃ મનીષ તિવારી

કાઠમંડુઃ નેપાળમાં હિંસક વિરોધ-પ્રદર્શન ચાલુ છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ આપેલું રાજીનામું સ્વીકારી લીધું છે. નેપાળની પરિસ્થિતિ અંગે કોંગ્રેસ પાર્ટીના સાંસદ મનીષ તિવારીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે દક્ષિણ એશિયાઈ પ્રદેશને અસ્થિર કરવાની કોશિશ થઈ રહી છે. તેથી બાંગ્લાદેશમાં જે બન્યું અને હવે નેપાળમાં જે થઈ રહ્યું છે, તેને માત્ર સંયોગ માનવો ખૂબ જ નાદાનપણા સમાન છે.

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું  હતું કે શું નેપોકિડ્સ આપોઆપ ઊભો થયો હતો કે પ્રાયોજિત હતો, જેણે બેરોજગારી અને આવક અસમાનતા સાથે સંઘર્ષ કરી રહેલી જેન-ઝેડ પેઢીને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરિત કરી? એક સોશિયલ મિડિયા અભિયાન ફરી એક વાર દક્ષિણ એશિયામાં એક સરકારને ઉખાડી નાખે છે. બાંગ્લાદેશ, હવે નેપાળ, હવે આગળ કોણ?”

દક્ષિણ એશિયા એક ખૂબ જ નાજુક અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે. તમામ દક્ષિણ એશિયાઈ દેશોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આ બાબતની જડ સુધી પહોંચવા માટે એક વ્યવસ્થિત અને યોગ્ય પ્રયાસ થવો જોઈએ કે નેપાળમાં આ અભિયાન આપોઆપ ઊભું થયેલી ઊથલાપાથલ હતું કે અસ્થિરતાનો લાભ લેવા ઇચ્છતાં હિતો દ્વારા સંચાલિત અભિયાન હતું. તેથી, બાંગ્લાદેશમાં જે બન્યું અને હવે નેપાળમાં જે થઈ રહ્યું છે, તેને માત્ર સંયોગ માનવો જોઈએ નહીં.

જુલાઈ, 2024માં બાંગ્લાદેશમાં જે બન્યું, જેને કારણે શેખ હસીના સત્તાથી દૂર થયા અને હાલ નેપાળમાં જે થઈ રહ્યું છે, જેને કારણે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને સત્તાથી હટાવવું પડ્યું, તેમની સરકારને રાજીનામું આપવું પડ્યું અને ભૂતપૂર્વ વડા પ્રધાનની પત્નીનું દુર્ભાગ્યપૂર્ણ નિધન થયું – તે કોઈ સંયોગ નથી. યુવાઓની, ખાસ કરીને બેરોજગારી અને આવક અસમાનતાથી પીડાઈ રહેલા યુવાઓની યોગ્ય ફરિયાદો અને અપેક્ષાઓનો સત્તા પરિવર્તન માટે વ્યવસ્થિત રીતે ઉપયોગ અને હથિયાર તરીકે વપરાશ થઈ રહ્યો છે.