ભારત-પાકિસ્તાન વચ્ચે નહીં રમાય WCLની સેમી ફાઈનલ

નવી દિલ્હીઃ ઇન્ડિયા ચેમ્પિયન્સના ખેલાડીઓએ બર્મિંગહમમાં યોજાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ 2025ની સેમી ફાઇનલમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઇનકાર કર્યો છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્શન વધી ગયું છે. પાકિસ્તાનને લઈને ભારતમાં ભારે રોષ છે.

આ કારણે ગ્રુપ સ્ટેજમાં ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેનો મુકાબલો ભારે વિરોધ વચ્ચે રદ થયો હતો. શિખર ધવન અને હરભજન સિંહ સહિત ઇન્ડિયા ચેમ્પિયન્સના અન્ય ખેલાડીઓએ મેચનો બહિષ્કાર કર્યો હતો. પરિણામે આ મેચ નહીં થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા. આ એક પોઈન્ટને કારણે ભારત ચેમ્પિયન્સને સેમી ફાઈનલમાં પહોંચવામાં મદદ મળી.

આ મેચ ગુરુવારે થવાની હતી. ભારતીય ટીમે કહ્યું છે કે તેઓ પાકિસ્તાન સામે કોઈ પણ પ્રકારની મેચ રમવા નથી માગતા. ભારત ચેમ્પિયન્સે મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સને માત્ર 13.2 ઓવરમાં હરાવીને સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ પાકિસ્તાન સામેની મેચ અંગે તેમણે પહેલેથી જ વાંધો ઉઠાવ્યો હતો. આ અગાઉ પણ ગ્રુપ સ્ટેજની ભારત-પાકિસ્તાન મેચ રદ કરવામાં આવી હતી, કારણ કે ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સરોએ વિરોધ કર્યો હતો.

EaseMyTrip નામની કંપની જે ટુર્નામેન્ટની સ્પોન્સર છે. કંપનીના સહ-સ્થાપક નિશાંત પિટ્ટીએ કહ્યું કે ભારતના લોકોની લાગણીઓનો સન્માન કરતાં અમે આ મેચથી દૂર રહ્યા છીએ. આતંકવાદ અને ક્રિકેટ સાથે નહીં ચાલી શકે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવને પણ કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન સામે રમશે નહીં. શિખર ધવન અને હરભજન સિંહ આ બહિષ્કારની શરૂઆત કરનારા મુખ્ય ખેલાડીઓ હતા. શિખર ધવને તો સોશિયલ મિડિયા પર પોતાનો એક જૂનો ઈમેઈલ પણ શેર કર્યો હતો, જેમાં તેમણે WCLના આયોજકોને પહેલેથી જ જણાવેલું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખી તેઓ પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં રમે.