બિહાર સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો…

નવી દિલ્હીઃ દેશમા ભરઉનાળામાં અનેક રાજ્યમાં હવામાનમાં ફેરફાર થયો છે. ગઈ કાલે સાંજે દિલ્હી- NCRમાં હળવો કમોસમી વરસાદ પડતાં લોકોને આંશિક રાહત મળી હતી. આ ઉપરાંત બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે કમોસમી વરસાદ પડ્યો. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં હીટ વેવની આગાહી કરવામા આવી છે.

હવામાન વિભાગે આજે ​​કુલ નવ રાજ્યો માટે કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે રાજ્યોમાં કમોસમી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, સિક્કિમ, પૂર્વ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયાં સ્થળોએ ધૂળની આંધી આવવાની શક્યતા છે. ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં કમોસમી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે એટલે કે શુક્રવારે ઉત્તરાખંડમાં ગાજવીજ, વીજળી અને 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે 11 એપ્રિલે બિહારમાં ભારે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. 13 એપ્રિલે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે કમોસમી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ કરાં પણ પડી શકે છે. જ્યારે આજે પંજાબમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, તેલંગાણા, કર્ણાટકમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં હીટવેવની આગાહી છે. 14થી 16 એપ્રિલ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અને 16 એપ્રિલે પૂર્વ રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં હીટ વેવ યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો, પૂર્વ ભારતના કેટલાક ભાગો અને ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1-3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. દેશના બાકીના ભાગોમાં તે સામાન્યની નજીક અથવા સામાન્યથી નીચે  રહેશે.