વાઘ બકરી ટી ગ્રુપે 25 તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી

અમદાવાદ: ચા ઉદ્યોગમાં 133 વર્ષથી નામના ધરાવતા વાઘ-બકરી ટી ગ્રુપ દ્વારા સોમવારે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વાઘ-બકરી હાઉસ ખાતે, વર્ષ 2024-25 માટેની ‘પરાગભાઈ દેસાઈ વાઘ બકરી શિષ્યવૃત્તિ’ મેળવનારા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. પરાગભાઈ દેસાઈની સ્મૃતિમાં વર્ષ 2022-23માં શરૂ કરવામાં આવેલી આ શિષ્યવૃત્તિ આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિના લાયક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. જેનાથી તેમને તબીબી, એન્જિનિયરિંગ અને પેરામેડિકલ જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળે છે.સ્થાપના થઈ ત્યારથી, ‘પરાગભાઈ દેસાઈ વાઘ બકરી શિષ્યવૃત્તિ’ મારફતે 200થી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. 1.75 કરોડથી વધુની શિષ્યવૃત્તિ સહાય કરવામાં આવી છે. આ શૈક્ષણિક વર્ષમાં જ, 177 વિદ્યાર્થીઓને રૂ. 70.10 લાખની નાણાકીય સહાયનો લાભ મળ્યો છે, જે વાઘ-બકરી ટી ગ્રુપની સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વાઘ બકરી ટી ગ્રુપના સિનીયર મેનેજમેન્ટમાં સામેલ, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રસેશભાઈ દેસાઈ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈ, પૂર્ણ-સમય ડિરેક્ટર પ્રિયમ દેસાઈ, ડિરેક્ટર વિદિશા દેસાઈ, CEO સંજય સિંઘલ અને CHRO નીતિન નાઈક આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેમણે 25 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અર્પણ કરી હતી.

સમારોહને સંબોધિત કરતા રસેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ પ્રગતિશીલ સમાજનો પાયો છે અને અમે વિવિધ શૈક્ષણિક પહેલોને સમર્થન તેમજ પ્રોત્સાહન આપીએ છીએ. પરાગભાઈ દેસાઈ વાઘ બકરી શિષ્યવૃત્તિ સાથે, જ્ઞાનની શોધમાં તેજસ્વી યુવાનોને ટેકો આપવાનો અમને ગર્વ છે. અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, આર્થિક મુશ્કેલીઓને કારણે કોઈ પણ લાયક વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે. અમે શક્ય તેટલા વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”વાઘ બકરી ટી ગ્રુપના CEO સંજય સિંગલએ જણાવ્યું હતું કે, “પરાગભાઈ દેસાઈ વાઘ બકરી શિષ્યવૃત્તિ દ્વારા, અમે આગામી પેઢીના લીડર્સને સશક્ત બનાવવાની આશા રાખીએ છીએ. શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરનારાઓએ ઘણી ક્ષમતા દર્શાવી છે. અમને વિશ્વાસ છે કે તેઓ સમાજમાં ઉલ્લેખનીય યોગદાન આપશે.

પરાગભાઈ દેસાઈ વાઘ બકરી શિષ્યવૃત્તિની પહેલ, પ્રોટીન ઈગોવ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા ટેકનોલોજી-સંચાલિત પ્લેટફોર્મ વિદ્યાસારથીના સહકાર સાથે અમલમાં મૂકવામાં આવી છે. જે શિષ્યવૃત્તિ પસંદગી પ્રક્રિયા સુવ્યવસ્થિત કરે છે અને પારદર્શિતા સુનિશ્ચિત કરે છે.