અમદાવાદ: કોમી તોફાનો વખતે હિંસક ટોળાને સમજાવવા જતાં શહીદ થયેલા બે જીગરજાન દોસ્ત વસંત રજબની 1 જુલાઈએ પુણ્યતિથિએ અનેક સંગઠનોએ એમને યાદ કર્યા. જમાલપુર પાસેના એમનું સ્મારક છે. ગાયકવાડની હવેલીના મોબાઈલ ટાવરમાં પણ એક અનોખું સ્થાન આપવામાં આવ્યું છે. રથયાત્રા આવે એટલે કોમી એકતાના પ્રતિક આ દોસ્ત યાદ આવે. અમદાવાદમાં કોમી એકતા માટે જાનની આહૂતિ આપી દેનાર વીર વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી શહાદતની આ 75મી પૂણ્યતિથિ છે.1 જુલાઈ, 1946ને રોજ અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું. બંને ભાઈબંધો સવારથી જ દોડાદોડી કરતા હતા અને સાંજના જમાલપુરમાં ધમાલના સમાચાર સાંભળી કોઈની પણ રાહ જોયા વગર નીકળી પડયા.
જમાલપુરમાં ઉશ્કેરાટથી ભાન ભૂલેલા હિંસક ટોળાંને શાંત કરવા માટે વસંતરાવ અને રજબઅલીએ અનેક વિનંતીઓ અને સમજાવટના પ્રયાસો કર્યા. એ પછી ‘ જાનથી મારવા જ હોય તો પહેલાં અમને મારી નાખો…’ એવો ખૂલ્લો પડકાર કર્યો. એ વખતે હિંસક ટોળાંએ શાંત થવાને બદલે આવેશમાં આવીને સાચે જ એ બંનેને પથ્થર, ચાકુ અને ખંજરના ઘા ઝીંકીને જાનથી મારી નાખ્યા. વસંતરાવ અને રજબઅલીએ હિંસા અટકાવવા માટે, પોતાની જાતને બચાવવાને બદલે લોકોના જીવ બચાવવા અડીખમ ઊભા રહી એ વખતે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતાં.
આ સમાચાર બીજી જુલાઈએ ગાંધીજીને પૂણેમાં મળ્યા. બાપુએ પ્રાર્થનાસભા પછી અમદાવાદના રમખાણો વિશે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. ગાંધીજી એ કહ્યું: વસંતરાવ ને રજબઅલી જેવા અનેક યુવાનો નીકળી પડે તો રમખાણો હંમેશને માટે નાબૂદ થાય. સરદાર વલ્લભભાઈ પટેલ તો વસંતરાવને બાલ્યાવસ્થાથી ઓળખતા હતા. સરદારની હાકલ પર પોતાના યુવા સાથીઓ સાથે તત્પર રહેતા વસંતરાવ 1931માં સરદાર કરાંચી કોંગ્રેસના પ્રમુખ થયા ત્યારે અમદાવાદથી સાઇકલ લઈને કરાંચી ગયા હતા. સરદાર વસંત-રજબનાઆત્મબલિદાનથી ખૂબ જ વ્યથિત થયા હતા. એમણે અનેક પ્રસંગોએ તેમની વીરતાનાદ્રષ્ટાંત આપ્યા હતા.
1946માં જે કામ બ્રિટિશ પોલીસને કરવાનું હતું એ લોકોની જાનમાલની રક્ષા કરવાનું, શાંતિ-સલામતી સ્થાપવાનું તે કામ ‘વસંત-રજબ’ પોતાના પ્રાણની આહુતિ આપીને કર્યુ. હવે અમદાવાદ શહેર પોલીસે બંને શહીદોની મિત્રતા અને આત્મબલિદાનનું રુણ ચૂકવવાનું નક્કી કર્યું. ‘ગાયકવાડ હવેલી’ના ઐતિહાસિક પરિસરમાં તા. 1 જુલાઈ, 1946ની યાદને તાજું કરતું એક મેમારિઅલ (સ્મારક)નું નિર્માણ ‘વોચટાવર’માં કરવામાં આવ્યું. દેશમાં આ પ્રથમ પ્રકારનું મેમારિઅલ છે. ખમાસાથી જમાલપુર જતાં માર્ગ પર વસંત રજબના સ્મારક સાથેનો ચોક છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
