VIDEO: યમનમાં હૂતી વિદ્રોહીઓ પર અમેરિકાની એરસ્ટ્રાઈક, 31નાં મોત

યમન: અમેરિકન સેનાએ શનિવારે હૂતી વિદ્રોહીઓ પર એરસ્ટ્રાઈક કરી. આ હુમલામાં 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી હૂતી વિદ્રોહીઓ સામે અમેરિકાની આ પહેલી મોટી કાર્યવાહી છે. ટ્રમ્પે આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે લખ્યું- હૂતી આતંકવાદીઓ, તમારો સમય પૂરો થઈ ગયો છે. અમેરિકા તમારા પર આકાશમાંથી એવો કહેર વરસાવશે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય. આ કાર્યવાહી લાલ સમુદ્રમાં અમેરિકન જહાજો પર હૂતીઓના હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ચાર મહિના પહેલા, હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં યુએસ યુદ્ધ જહાજો પર અનેક હુમલાઓ કર્યા હતા.

ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી

ટ્રમ્પે કહ્યું કે ઈરાન આ હૂથી આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. આ આતંકવાદીઓ અમેરિકન વિમાનો પર મિસાઇલો ઝીંકી રહ્યા છે અને અમારા સૈનિકો અને સાથી દેશોને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલાઓથી અમેરિકા અને વૈશ્વિક અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થયું છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

ઈરાનને ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું કે તે હૂતી આતંકવાદીઓને સાથ આપવાનું બંધ કરે. અમેરિકા, તેના રાષ્ટ્રપતિને ધમકાવવાનો પ્રયાસ ન કરો. જો તમે આમ કરશો, તો અમેરિકા તમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવશે અને અમે આને હળવાશથી નહીં લઈએ!