અમેરિકાએ ઈરાનમાં 3000 ટાર્ગેટને ધ્વસ્ત કર્યા, ઈઝરાયલનો ભારે બોમ્બમારો

નવી દિલ્હીઃ અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલુ રહેલો સૈન્ય સંઘર્ષ હવે આઠમા દિવસે પહોંચી ગયો છે અને તેને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધતો જઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના સ્થાયી પ્રતિનિધિ અમિર-સઈદ ઇરાવાનીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયલની સરકારો ઈરાન અને તેના લોકો પર ક્રૂર અને વ્યાપક હુમલા કરી રહી છે. તેમણે જાણીબૂજીને નાગરિકો અને નાગરિક માળખાને નિશાન બનાવ્યા છે. ઈરાનનાં શહેરો પર અંધાધૂંધ હુમલા થઈ રહ્યા છે.

ઘનિષ્ઠ વસાહતોવાળા રહેણાક વિસ્તારો અને મહત્વપૂર્ણ નાગરિક માળખાને જાણપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેઓ ઘનિષ્ઠ વસાહતોવાળા નાગરિક વિસ્તારોમાં 2000 પાઉન્ડના બોમ્બ ફેંકી રહ્યા છે. તેમનો હેતુ સ્પષ્ટ છે – નાગરિકોમાં આતંક ફેલાવવો, નિર્દોષ લોકોનો નરસંહાર કરવો અને મહત્તમ વિનાશ અને પીડા પહોંચાડવી. તેઓ માત્ર સૈન્ય ઠેકાણાંઓને જ નિશાન બનાવ્યાનો દાવો કરે છે, પરંતુ તે ખોટો અને આધારહીન છે. આ ગુનાહિત યુદ્ધને તરત રોકવા માટે અમે સુરક્ષા પરિષદને વારંવાર પત્ર લખ્યા છતાં પરિષદ મૌન છે.અહેવાલો મુજબ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1332 નાગરિકો- જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે, પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. હજારો લોકો ઘાયલ થયા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. એરપોર્ટ, શાળાઓ, હોસ્પિટલો, આરોગ્ય સેવા કેન્દ્રો, રહેણાંક મકાનો, રમતગમત સુવિધાઓ, મસ્જિદો, રાજનૈતિક પોલીસ મુખ્યાલય અને અન્ય નાગરિક માળખાંને જાણપૂર્વક નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઈરાનમાં 180થી વધુ બાળકોના મોત થયાં છે. આ યુદ્ધને કારણે ઘણા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. 20થી વધુ શાળાઓને નુકસાન થયું છે અને 13 આરોગ્ય સેવાઓની સુવિધાઓ પર હુમલા થયા છે.

તહેરાનમાં જોરદાર વિસ્ફોટો

અહેવાલ અનુસાર તહેરાનના ઘણા વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સાંભળવામાં આવ્યા હતા. આ વિસ્ફોટોનું કારણ તરત સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ ચાલતા સૈન્ય તણાવ અને ઈરાનની રાજધાનીમાં સંભવિત હવાઈ હુમલાઓ વચ્ચે આ ઘટનાઓ બની હોવાનું માનવામાં આવે છે.