અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતા જ તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી વધુ ઉગ્ર બનાવી દીધી છે. સોમવારે, અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક લશ્કરી વિમાન ભારત માટે રવાના થયું હતું. જે આજે રાત્રે ભારત પહોંચશે. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર, સોમવારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક C-17 વિમાને ભારત માટે ઉડાન ભરી છે, પરંતુ તેને પહોંચવામાં ઓછામાં ઓછા 24 કલાક લાગશે.
જો કે, આ ફ્લાઇટમાં કેટલા લોકો સવાર હતા તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટો દેશનિકાલ કરવાનું વચન આપ્યું હતું. આ પછી, ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની યાદી તૈયાર કરી હતી, જેમાં 18,000 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
અમેરિકામાં 7.25 લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ છે
એક રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, અમેરિકામાં લગભગ 7.25 લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે. આ આંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે. પ્રથમ સ્થાને મેક્સિકોના ઇમિગ્રન્ટ્સ છે અને બીજા ને અલ સાલ્વાડોરના ઇમિગ્રન્ટ્સ છે.
ગયા મહિને, ભારત સરકારે કહ્યું હતું કે ભારત હંમેશા અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને પાછા લેવા માટે તૈયાર છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે અમેરિકામાં કેટલા ભારતીયો ગેરકાયદેસર રીતે રહે છે અને તેમને પાછા મોકલી શકાય છે કે નહીં. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આવા લોકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી.
જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે યોગ્ય નિર્ણય લેશે અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને પાછા લેવાની જવાબદારી લેશે. આ નિવેદન બંને નેતાઓ વચ્ચેની ફોન વાતચીત પછી આવ્યું છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.