‘આઇ લવ મોહમ્મદ’ પર બબાલઃ બરેલીથી નાગપુર સુધી દેખાવો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવ, બરેલી, કૌશાંબી, લખનૌ, મહારાજગંજ જેવાં શહેરો ઉપરાંત ઉત્તરાખંડનાં કાશીપુર અને તેલંગાણાનાં હૈદરાબાદ સહિત દેશનાં અનેક શહેરોમાં ‘I Love Muhammad’ના સમર્થનમાં મુસ્લિમ સમાજ રસ્તા પર ઊતરી આવ્યો છે. શહેરોમાં જગ્યા-જગ્યાએ જુલૂસ પણ કાઢવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન ઘણી જગ્યાએ પોલીસ અને મુસ્લિમ સમાજ વચ્ચે આમને-સામનેની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે.

યુપીના ઉન્નાવમાં જુલૂસ દરમ્યાન પોલીસ પર પથ્થરમારો કરવાનો આરોપ છે. અહીં મહિલાઓએ પોલીસના ડંડા છીનવી લીધા અને પોલીસની ગાડીઓને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. હવે સવાલ એ છે કે અચાનક ‘I Love Muhammad’ને લઈને મુસ્લિમ સમાજ શા માટે જુલૂસ કાઢી રહ્યો છે? એવું શું બન્યું કે મુસલમાન ‘I Love Muhammad’ને લઈને રસ્તા પર આવી ગયા છે?આ વિવાદની શરૂઆત ઉત્તર પ્રદેશના કાનપુરમાં થઈ હતી. અહીં બારાવફાતના જુલૂસ દરમ્યાન I Love Muhammadના સાઇનબોર્ડને લઈને એવો વિવાદ થયો, જેનો પ્રભાવ હવે યુપી સહિત દેશનાં અલગ-અલગ શહેરોમાં જોવા મળી રહ્યો છે.

કાનપુરમાં I Love Muhammad સાઇનબોર્ડને લઈને શું વિવાદ હતો?

I Love Muhammadને લઈને થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વિવાદ થયો હતો. આ મામલો પાંચ સપ્ટેમ્બરે સામે આવ્યો હતો. કાનપુરના રાવતપુરમાં બારાવફાતનું જુલૂસ નીકળતું હતું. જે રસ્તે જુલૂસ નીકળતું હતું, એ જ રસ્તા પર એક જગ્યાએ I Love Muhammadનું સાઇનબોર્ડ લગાવી દેવામાં આવ્યું. આને લઈને હિંદુ પક્ષે વિરોધ કર્યો અને આરોપ લગાવ્યો કે અહીં નવી પરંપરા શરૂ કરવામાં આવી રહી છે. કાનપુરમાં બબાલ વધે તે પહેલાં જ પોલીસ સક્રિય થઈ ગઈ છે.

 મુસ્લિમ અને હિંદુ પક્ષે એકબીજા પર પોસ્ટર ફાડવાના આરોપ લગાવ્યા

આ દરમ્યાન કાનપુરમાં મુસ્લિમ પક્ષે આરોપ લગાવ્યો કે તેમનો સાઇનબોર્ડ ફાડી નાખવામાં આવ્યો હતો. હિંદુ પક્ષે આરોપ લગાવ્યો કે મુસ્લિમ પક્ષના જુલૂસમાં સામેલ લોકોએ તેમનાં ધાર્મિક પોસ્ટર ફાડ્યાં હતાં. પોલીસના વચ્ચે પડવાથી એવું લાગ્યું કે મામલો શાંત થઈ ગયો છે.