યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગનું ગિફ્ટ સિટીમાં નવું કેમ્પસ ખુલ્યું

ગાંધીનગર: યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ (UOW) એ ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે તેના ઇન્ડિયા કેમ્પસનું ઉદઘાટન કર્યું. ગિફ્ટ સિટી કેમ્પસમાં આ સપ્તાહથી જ માસ્ટર ઑફ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજી, માસ્ટર ઑફ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજી (એક્સ્ટેંશન) અને ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ ઇન ફાઇનાન્શિયલ ટેક્નોલોજીના ક્લાસ શરૂ થશે. ટેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા આ પ્રસંગે યુનિવર્સિટીએ ફિનટેક શિષ્યવૃત્તિમાં મહિલા આગેવાનોના પ્રથમ લાભાર્થી તરીકે સેરીન એલ્સા જોજીની પસંદગી કરી છે.ભારતીય સંસ્થાઓ સાથેના સહયોગને વધુ ગાઢ બનાવવાના ભાગરૂપે યુ.ઓ.ડબલ્યુ. ઇન્ડિયાએ ઉદ્ઘાટન સમયે ઓડૂ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. ઓડૂ એક પ્રખ્યાત ઓપન-સોર્સ બિઝનેસ સોફ્ટવેર સ્યુટ, સી.આર.એમ., ઇ.કોમર્સ, એકાઉન્ટિંગ અને અનેક કામગીરીઓ માટે ટૂલ્સ પૂરા પાડે છે. તેનાથી વિદ્યાર્થીઓ વ્યવહારુ અને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યો મેળવે તે સુનિશ્ચિત કરી શકાય છે.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગના ચાન્સેલર માઇકલ સ્ટિલે જણાવ્યું કે, “ગિફ્ટ સિટીમાં યુ.ઓ.ડબલ્યુ.નું કેમ્પસ શરૂ કરવું એ અમારી યુનિવર્સિટી માટે એક નવો ઉત્સાહભર્યો અધ્યાય છે અને અમને ભારતના અદ્ભૂત શૈક્ષણિક વારસાનો ભાગ બનવાનો ખૂબ ગર્વ છે. સદીઓથી ભારત જ્ઞાન અને ઇનોવેશનનું આગેવાન રહ્યું છે. અમે આ પરંપરાનો ભાગ બન્યાં એ અમારા માટે પ્રેરણાદાયી છે.”યુ.ઓ.ડબલ્યુ. ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સી.ઇ.ઓ. મારીસા માસ્ટ્રોઇન્નીએ જણાવ્યું કે, “ભારતની ઝડપી આર્થિક અને તકનીકી પ્રગતિએ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ઑસ્ટ્રેલિયાના વિશ્વ-કક્ષાના શિક્ષણને સુલભ કરવા માટે વિદ્યાર્થીઓએ અલગ-અલગ ખંડોમાં જવાની જરૂર નથી. અમે ભારતના પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી, ગિફ્ટ સિટીમાં યુ.ઓ.ડબલ્યુ. ઇન્ડિયા મારફતે વૈશ્વિક શિક્ષણને ભારતના આંગણે લાવી રહ્યાં છીએ. અમારા ગિફ્ટ સિટી ખાતેના કેમ્પસના વિદ્યાર્થીઓ દુબઈ, મલેશિયા અને હોંગકોંગ સહિત અમારા ઓસ્ટ્રેલિયાના અને વૈશ્વિક કેમ્પસ જેવા જ ઉચ્ચ ધોરણોનો અહીં અનુભવ કરશે. આ અનુભવને ઉન્નત કરવા માટે અમારું પ્રથમ જૂથ અમારા દુબઈ કેમ્પસ ખાતે જશે, જેનો સંપૂર્ણ ખર્ચ અમે ઉપાડીશું. એનાથી તેમને અમારા વૈશ્વિક નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં સામેલ કરી શકાશે.

ઇન્વેસ્ટમેન્ટ એન.એસ.ડબલ્યુ.ના ડેપ્યુટી સેક્રેટરી રેબેકા મેકફીએ જણાવ્યું હતું કે, “આ મજબૂત પાયા સાથે યુ.ઓ.ડબલ્યુ.ના ભારતમાં વિસ્તરણમાં મદદ કરવા બદલ અમને ગર્વ છે. આ નવા કેમ્પસને જીવંત બનાવવામાં મદદ કરવા માટે સરકારી અધિકારીઓ અને ગુજરાત સ્થિત અગ્રણી વ્યવસાયોની અમને મદદ મળી છે.”

યુ.ઓ.ડબલ્યુ. ઇન્ડિયાના વિદ્યાર્થીઓ વિદેશોના 7,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ સાથે જોડાશે અને સ્નાતક થયા પછી 199 દેશોમાંથી 1,90,000 કરતાં વધુ મજબૂત પૂર્વ વિદ્યાર્થીઓના સમુદાયમાં જોડાશે. આ પ્રસંગે ઑસ્ટ્રેલિયા અને ભારતના ટોચના ઉદ્યોગ જગતના લોકો, શિક્ષણવિદો અને સરકારી અધિકારીઓ હાજર રહ્યાં હતા.