અમદાવાદ: નવરાત્રિ મહોત્સવનો માહોલ જામ્યો છે. આ વર્ષે શેરીઓ અને સોસાયટીઓમાં ગરબે રમવાની સમય મર્યાદા નથી એટલે લોકો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે સોસાયટીઓમાં આનંદ ઐક્ય ઉત્સાહ માટે રાસ ગરબામાં સ્પર્ધા, ઈનામ વિતરણ, વેશભૂષાનું આયોજન કરવામાં આવે છે. આ સાથે પરંપરાગત જાજરમાન કપડાં ઘરેણાંનો ‘ ટ્રેન્ડ ‘ચાલે છે. એમાંય કપડાં ‘મેચિંગ’ કરી ગરબે ઘૂમતા કપલ અને સહેલીઓએ ધૂમ મચાવી છે. અમદાવાદના નવા નરોડા પાસેની સોસાયટીના અગ્રણી દેવશીભાઈ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારી સોસાયટીમાં આ વર્ષે એકદમ અનોખી રીતે સરપ્રાઈઝ વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની બાળાઓને માતાજીના જુદા જુદા સ્વરૂપ સાથે તૈયાર કરવામાં આવી. નવદુર્ગાના સ્વરૂપો સાથે તૈયાર થયેલી બાળાઓને એક બ્લોકમાંથી બીજા બ્લોક બેસમેન્ટમાંથી પસાર કરી ગરબાના સ્થળ પર લાવવામાં આવી. બાળાઓના નવદુર્ગાના સ્વરૂપને જોઈ ઉપસ્થિત સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.”
પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અનેક ગરબા મહોત્સવમાં આ વર્ષે કપડાં મેચિંગની થીમ જોવા મળી હતી. પશ્ચિમ વિસ્તારના એક ગરબા આયોજનના મેકઓવર એક્ષપર્ટ પિનલ રાવલ કહે છે, “અમે બ્લેક થીમ રાખી હતી. એમાંય પરંપરાગત ભાત હોય એવા કપડાં પહેરી ગરબે રમવું. ઘણાં લોકો માન્યતા પ્રમાણે બ્લેક કપડાં નથી પહેરતા ત્યારે એમને મરૂન કપડાં સાથે ગરબે રમવાની થીમ આપી હતી. એક સાથે કપડાં મેચિંગ કરી કપલ અને સહેલીઓ સાથે ગરબે રમવાની મજા કંઈક અલગ જ છે.”નવરાત્રિ મહોત્સવ 2024માં ભવ્યતાની સાથે કપડાં મેચિંગ, વિવિધ થીમ, સ્પર્ધા અને વેશભૂષા જોવા મળી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)