કન્નોજઃ છેલ્લા એક મહિનામાં ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓએ સ્કૂલ સાથે જોડાયેલી પોતાની ફરિયાદોને લઈને અલગ-અલગ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ લખનૌ અને ઉન્નાવમાં રસ્તા રોક્યા હતા, હમીરપુરમાં કલેક્ટર કચેરી સુધી માર્ચ કરી હતી અને કન્નોજમાં અધિકારીઓ તેમની વાત સાંભળે તે માટે પોતાને હોસ્ટેલની અંદર જ બંધ કરી દીધા હતા.
વિદ્યાર્થીઓની મુખ્ય માગોમાં વધુ શિક્ષકોની નિમણૂક, સારું ભોજન, પીવાનું પાણી, યોગ્ય રીતે ચાલતા પંખા, સ્વચ્છ પરિસર અને સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. તેમાંથી ત્રણ વિરોધ પ્રદર્શન લખનૌ અને ઉન્નાવની સર્વોદય આવાસીય સ્કૂલોમાં થોડા જ દિવસોના અંતરે થયા હતા. આ પછી ઉત્તર પ્રદેશ સરકારે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત રાજ્યની તમામ 103 સ્કૂલોની તપાસના આદેશ આપ્યા છે.
બુધવારે ઉન્નાવની જય પ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ સવારે લગભગ 6:30 વાગ્યે હાથમાં પ્લેકાર્ડ લઈને મોહન ક્રોસિંગ પહોંચ્યા અને રસ્તા પર બેસી ગયા. જેને કારણે ટ્રાફિક જામ થયો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષકોની અછત, ખરાબ ગુણવત્તાવાળા ભોજન, પીવાના પાણીની વ્યવસ્થા, શિક્ષકોના અયોગ્ય વર્તન અને સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓનો આક્ષેપ કર્યો હતો.
પ્રશાસને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો
પોલીસ, સમાજ કલ્યાણ વિભાગ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન પાછું ખેંચવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો. લગભગ અડધા કલાક બાદ પ્રદર્શન ખતમ કરવામાં આવ્યું હતું. એડીએમ સુશીલ કુમાર ગૌરે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અનેક માગને લઈને વિરોધ કરી રહ્યા હતા.
સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલાં જય પ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલયના 100થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષકોની અછત, ખરાબ ગુણવત્તાવાળા ભોજન અને અન્ય સુવિધાઓના વિરોધમાં લખનૌના મોહન રોડ પર ચક્કાજામ કર્યો હતો. તેના ત્રણ દિવસ બાદ બીજી એક સર્વોદય સ્કૂલની લગભગ 200 વિદ્યાર્થીનીઓએ ભારે વરસાદ વચ્ચે લખનૌ-દુબગ્ગા બાયપાસ પર રસ્તો રોક્યો હતો અને આવી જ ફરિયાદો રજૂ કરી હતી. પ્રથમ વિરોધ પ્રદર્શન ત્યારે ખતમ થયું જ્યારે સમાજ કલ્યાણ વિભાગના મંત્રી અસીમ અરુણ ઘટનાસ્થળે પહોંચ્યા અને વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવાની ઓફર કરી. બીજા વિરોધ પ્રદર્શન દરમિયાન સમાજ કલ્યાણ વિભાગ અને જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ફતેહપુરમાં વધુ સારા ક્લાસરૂમની માગ
28 જુલાઈએ ફતેહપુરના કિશનપુર વિસ્તારમાં સર્વોદય ઇન્ટર કોલેજના ધોરણ છથી 12 સુધીના લગભગ 1000 વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર એકત્ર થયા હતા. તેમના હાથમાં પ્લેકાર્ડ, બેનર અને ડો. ભીમરાવ આંબેડકરની તસવીર હતી. વિદ્યાર્થીઓએ સ્વચ્છ પીવાનું પાણી, જર્જરિત ક્લાસરૂમ અને ટપકતી છતની મરામત, યોગ્ય રીતે ચાલતા પંખા અને જરૂરી ફર્નિચરની માગ કરી હતી.






