બેરોજગારી સૌથી મોટી સમસ્યા, તેનો સીધો સંબંધ મતચોરી સાથે: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે દેશમાં યુવાઓની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે અને તેનો સીધો સંબંધ મતચોરી સાથે છે.તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ સરકાર જનતાનો વિશ્વાસ જીતીને સત્તામાં આવે છે, ત્યારે તેનું પહેલું કર્તવ્ય હોય છે યુવાઓને રોજગાર અને તકો આપવાનું, પરંતુ BJP ઈમાનદારીથી ચૂંટણી જીતતી નથી, તેઓ મતચોરી અને સંસ્થાઓને કેદમાં રાખીને સત્તામાં ટકી રહે છે.

નોકરીઓ ઘટી રહી છે, ભરતી પ્રક્રિયા ધ્વસ્ત

કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષે કહ્યું હતું કે નોકરીઓ ઘટી રહી છે, ભરતી પ્રક્રિયા ધ્વસ્ત થઈ ગઈ છે અને યુવાઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. એટલે જ દરેક પરીક્ષા પેપર લીક અને દરેક ભરતી ભ્રષ્ટાચારની વાર્તાઓ સાથે જોડાયેલી રહે છે.

તેમણે કહ્યું હતું કે દેશનો યુવક મહેનત કરે છે, સપનાં જુએ છે અને પોતાના ભવિષ્ય માટે સંઘર્ષ કરે છે. પરંતુ મોદીજી ફક્ત પોતાની PR, સેલિબ્રિટીઝ પાસેથી ગુણગાન કરાવવામાં અને અબજોપતિઓના નફામાં વ્યસ્ત છે. યુવાઓની આશાઓ તોડવી અને તેમને હતાશ કરવી આ સરકારની ઓળખ બની ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ભારતનો યુવક સમજી ગયો છે કે અસલી લડાઈ ફક્ત નોકરીઓની નથી, પરંતુ મતચોરી સામેની છે. કારણ કે જ્યાં સુધી ચૂંટણી ચોરી થતી રહેશે, ત્યાં સુધી બેરોજગારી અને ભ્રષ્ટાચાર પણ વધતા રહેશે. હવે યુવાઓ ન નોકરીની લૂંટ સહન કરશે, ન મતચોરી. ભારતને બેરોજગારી અને મતચોરીથી મુક્ત કરવું જ હવે સૌથી મોટી દેશભક્તિ છે.