UNના એમ્બેસેડરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતાની પ્રશંસા કરી

રાજપીપળા: સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ- UN)ના રાજદૂત ડૉ. ઇવાન્સ ક્વાડિયો અફેદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી. તેમની મુલાકાત દરમિયાન, ડૉ. અફેદીએ ગુજરાતની આ સ્થાપત્યકીય અજાયબી અને તેની આસપાસના આકર્ષક કુદરતી સૌંદર્યની ખૂબ જ પ્રશંસા કરી.ડૉ. અફેદી તેમની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત દરમિયાન ઔષધ માનવ (આરોગ્ય વન), જંગલ સફારી અને અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. ત્યાંના અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને તે વિસ્તારના વિવિધ પ્રવાસન સ્થળોએ લઇ જવામાં આવ્યા હતા. સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારના વિકાસથી તેઓ પ્રભાવિત થયા હતા અને તેમણે પ્રકૃતિ સાથે સુમેળ જાળવી રાખીને આ વિસ્તારને વૈશ્વિક પ્રવાસન સ્થળમાં જે રીતે પરાવર્તિત કરવામાં આવ્યું છે, તેની સરાહના કરી હતી. ડૉ. અફેદીએ કહ્યું કે, “સ્ટેચ્યૂ ઑફ યુનિટી એ માત્ર એક સ્મારક જ નથી, પરંતુ તે એકતા, દૂરંદેશી અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.”તેમણે વધુમાં જણાવ્યું, ” આ સ્થળ મેં જોયેલા સૌથી સુંદર સ્થળોમાંનું એક છે, અને મને આશા છે કે હું ભવિષ્યમાં ફરી મુલાકાત લઇશ. આ સ્થળની સુંદરતા મનમોહક છે. મારી સૌને અપીલ છે કે તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લે અને પ્રકૃતિનો અનુભવ કરે. પ્રકૃતિ આપણા સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે, શક્તિ આપે છે અને આપણું આયુષ્ય લાંબું કરે છે.” તેમણે UN , યુરોપ અને આફ્રિકાના લોકોને પણ મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કર્યા.તેમની મુલાકાત દરમિયાન ડૉ. અફેદીએ પ્રતિમાની આસપાસ હરિયાળી, રિવરફ્રન્ટ અને સ્વચ્છ-શાંતિમય વાતાવરણ સહિતની સુવ્યવસ્થિત કામગીરી અને પર્યાવરણને અનુકૂળ પહેલોની પ્રશંસા કરી. આ સુવિધાઓ મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવે છે.

ડૉ. અફેદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા વિશ્વ સ્તરીય પ્રવાસન આકર્ષણોનું નિર્માણ કરવાની સાથે-સાથે ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના અને કુદરતી વારસાના સંરક્ષણ માટેના ભારતના પ્રયાસોની પણ પ્રશંસા કરી. તેમની મુલાકાત દર્શાવે છે કે કેવડિયાની વધતી જતી વૈશ્વિક ઓળખ એક એવા સ્થળ તરીકે થઇ રહી છે, જ્યાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને આધુનિક વિકાસનો સુભગ સમન્વય જોવા મળે છે.