ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો, યુક્રેન યુદ્ધ વિરામ માટે સહમત

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને આશા છે કે રશિયા અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ યુદ્ધવિરામ યોજના પર સંમત થશે અને અમેરિકા અને રશિયા વચ્ચે જલદી જ બેઠક યોજાશે. પત્રકારોને આપેલા નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે હું હવે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીને પણ ટૂંક સમયમાં વ્હાઇટ હાઉસ પાછા બોલાવીશ. 

ટ્રમ્પે શું કહ્યું? 

ગત મહિને ઓવલ ઓફિસની બેઠક દરમિયાન ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને ઝેલેન્સકી અમેરિકા સાથે મહત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વોશિંગ્ટન છોડીને ચાલ્યા ગયા હતા. ટ્રમ્પે કહ્યું કે મને આશા છે કે આગામી દિવસોમાં ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પર સંપૂર્ણ વિરામ લાગી શકે છે. હું આ અઠવાડિયે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે આ મુદ્દે વાત કરીશ.

રશિયાને અપીલ સાથે ચેતવણી… 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત થયું છે. હવે અમારે રશિયા જવું પડશે અને આશા રાખીએ છીએ કે પુતિન પણ યુદ્ધ વિરામ માટે સંમત થશે. શહેરોમાં લોકો માર્યા જઈ રહ્યા છે, વિસ્ફોટ થઈ રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે આ યુદ્ધનો અંત આવે, સંપૂર્ણ યુદ્ધવિરામ થાય. યુક્રેન તેના માટે સંમત થયું છે અને આશા છે કે રશિયા પણ સંમત થશે. યુદ્ધવિરામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે રશિયાને આ કરવા માટે મજબૂર કરી શકીએ, તો તે ખૂબ સારું રહેશે.”