નવા પ્રાંતોની રચનાને લઈને પાકિસ્તાન સરકારમાં બે ભાગ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં નવા પ્રાંતોની રચનાને લઈને સરકારમાં જ મતભેદો છે. વડા પ્રધાનના રાજકીય બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહે કહ્યું છે કે ગૃહ મંત્રી મોહસિન નકવીએ નવા પ્રાંતોની રચનાના મુદ્દાને વિવાદાસ્પદ બનાવી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે આ મામલે અંતિમ નિર્ણય સંસદમાં તમામ રાજકીય પક્ષોની સહમતીથી જ લેવામાં આવશે.

મોહસિન નકવીની તાજેતરની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતાં સનાઉલ્લાહે કહ્યું હતું કે તેઓ કોઈની ધમકીઓથી ડરવાના નથી. ગૃહ મંત્રીને તેમની ટીકા કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ તેમણે પોતાની જવાબદારીઓ પર ધ્યાન આપવું જોઈએ. એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સનાઉલ્લાહે કહ્યું હતું કે હું ધમકીઓથી ડરનારી વ્યક્તિ નથી. મોહસિન નકવીને જવાબ આપવો હોય તો આપે. આ પ્રકારનાં નિવેદનોની મારા પર કોઈ અસર થશે નહીં.

નકવીની ટિપ્પણીઓ પર ઉઠાવ્યા સવાલ

સનાઉલ્લાહે નકવી પર નિશાન સાધતાં સવાલ કર્યો હતો કે શું તેઓ પોતાને કાયદે આઝમ જેવી હસ્તી માને છે, જેમના વ્યક્તિત્વ અને વિચારો પર ચર્ચા ન થઈ શકે. તેમણે કહ્યું  હતું કે તેમણે ક્યારેય નકવીની વ્યક્તિગત ટીકા કરી નથી, પરંતુ હંમેશાં ગૃહ મંત્રી તરીકે તેમની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમને પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો એટલો જ અધિકાર છે, જેટલો અન્ય મંત્રીઓને છે. જો નકવી તેમની વાતોથી સહમત ન હોય તો તેમણે ધમકી આપવાને બદલે દલીલો સાથે જવાબ આપવો જોઈએ.

નવા પ્રાંતોની રચના અંગે સંસદમાં થશે નિર્ણય

સનાઉલ્લાહના જણાવ્યાનુસાર બંને નેતાઓએ કથિત રીતે કહ્યું છે કે આ મુદ્દે તેમની સાથે કોઈ ચર્ચા કે સલાહ-મસલત કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે હાલમાં રાજકીય પક્ષો વચ્ચે સહમતી બની શકશે કે નહીં તે કહેવું ઉતાવળ ગણાશે, પરંતુ આ મુદ્દાનો ઉકેલ આખરે સંસદમાં જ લાવવો પડશે.

પાકિસ્તાનની વ્યવસ્થા અંગે પણ નકવીને ઘેર્યા

સનાઉલ્લાહે પાકિસ્તાનની વ્યવસ્થાને લઈને નકવીના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. નકવીએ કહ્યું હતું કે દેશની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ અંગે સનાઉલ્લાહે કહ્યું હતું કે વ્યવસ્થા પોતે નિષ્ફળ નથી થઈ, પરંતુ તેને નિષ્ફળ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે નવા પ્રાંતોનો મુદ્દો સૌથી પહેલાં નકવીએ ઉઠાવ્યો હતો, તેથી આ મુદ્દે ઊભા થયેલા વિવાદની જવાબદારી પણ તેમણે લેવી જોઈએ.