નવી દિલ્હીઃ તુર્કીએ ઇઝરાયેલને અપીલ કરી છે કે તે ઈરાન પર થઈ રહેલા હુમલાઓ તરત બંધ કરે, કારણ કે આ પગલાંથી પ્રદેશમાં તણાવ વધી શકે છે. તુર્કીના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ઇઝરાયેલની આ આક્રમક કામગીરી નવી લડાઈનું કારણ બની શકે છે. તેમને તરત અટકાવવી જોઈએ.
આ પહેલાં ઇઝરાયેલે સવારે ઈરાન પર હુમલો કર્યાની પુષ્ટિ કરી છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે આ હુમલો સૌથી મોટું અને સીધું પગલું માનવામાં આવી રહ્યું છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ જણાવ્યું હતું કે આ એક ખાસ સૈન્ય અભિયાન છે, જેમાં ઈરાન તરફથી ઊભા થતા ખતરાને રોકવાનો હેતુ છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ખતરો પૂરો નહીં થાય, ત્યાં સુધી અમારું અભિયાન ચાલુ રહેશે.
અમેરિકાનાં વિદેશમંત્રી માર્કો રુબિયો એ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહીનો ભાગ અમેરિકાએ નથી લીધો. તેમણે જણાવ્યું હતું કે અમારું એકમાત્ર લક્ષ્ય અમારા સૈનિકોની સુરક્ષા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનના અણુ કાર્યક્રમને લઈને વાતચીત ચાલી રહી છે અને હાલ પરિસ્થિતિ પહેલેથી જ ખૂબ જ તણાવપૂર્ણ છે.
સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સી IAEA એ આ સપ્તાહે માહિતી આપી હતી કે ઇરાને છેલ્લાં 20 વર્ષમાં પહેલી વખત તેના પરમાણુ નિયમોનું પાલન કર્યું નથી. આ માહિતી ઇઝરાયેલની કાર્યવાહી પાછળનું મહત્વપૂર્ણ કારણ માનવામાં આવી રહી છે.
ભારતના ઇઝરાયેલ સ્થિત દૂતાવાસે હાલના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે સાવચેતીપૂર્ણ સલાહ (એડવાઇઝરી) જાહેર કરી છે. તેમાં લખ્યું છે: “ઇઝરાયેલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઇઝરાયેલી પ્રશાસન તથા હોમ ફ્રન્ટ કમાન્ડ (oref.org.il/eng) દ્વારા આપવામાં આવતાં સુરક્ષા સૂચનોનું પાલન કરે અને હંમેશાં સતર્ક રહે.
