ટ્રમ્પનો ‘ટેરિફ બોમ્બ’: વેપાર યુદ્ધના ભય વચ્ચે વૈશ્વિક શેરબજારો તૂટ્યા

અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વિશ્વભરના અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે અને તેની અસર એશિયન બજારોમાં એક મોટા કડાકાના સ્વરૂપમાં જોવા મળી રહી છે. ટ્રમ્પે ભારત સામે પણ ટેરિફ બોમ્બ ફેંકી દીધો છે અને 26 ટકા ટેરિફ લાદી દીધો છે. જેના લીધે નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી પર દેખાઈ શકે છે. 

ભારતના શેરબજાર માટે ચિંતાનો વિષય? 

છેલ્લા કારોબારી દિવસની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત સ્થિતિમાં આગળ વધતા જોવા મળ્યા હતા, પરંતુ ટ્રમ્પ ટેરિફની જાહેરાત બાદ આજે ગુરુવારે એશિયન બજારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી શકે છે.

રેસિપ્રોકલ ટેરિફથી શેરબજારીયાઓમાં ડર પેઠો? 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે અને આ દિવસને મુક્તિ દિવસ તરીકે નામ આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આખી યાદી જાહેર કરી છે જેમાં કયા દેશ પાસેથી કેટલો ટેરિફ વસૂલાશે તેની વિગતો જાહેર કરવામાં આવી છે. નવા ટેરિફ દરો અનુસાર, અમેરિકા ચીન પાસેથી 34%, યુરોપિયન યુનિયન પાસેથી 20%, જાપાન પાસેથી 24% અને ભારત પાસેથી 26% ટેરિફ વસૂલાશે. જોકે ટેરિફ અંગે ટ્રમ્પની જાહેરાત સાથે એશિયન બજારોમાં ગભરાટની સ્થિતિ જોવા મળી રહી છે અને જાપાનનું શેરબજાર સૌથી ખરાબ સ્થિતિમાં હોય તેવું લાગે છે.

એશિયન બજારોમાં ગભરાટનો માહોલ

ડોનાલ્ડ ટ્રમ્પે ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કર્યા પછી જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 4 ટકાથી વધુ તૂટી ગયો હતો. ગુરુવારે નિક્કેઈ સ્ટોક ઇન્ડેક્સ 4.6% ઘટીને 34,102 પર પહોંચ્યો, જે છેલ્લા આઠ મહિનામાં તેનું સૌથી નીચું સ્તર છે. અમેરિકાએ જાપાન પર 24% આયાત ડ્યુટી લાદી છે. ગુરુવારે, GIFT નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 200 પોઈન્ટથી વધુ ઘટી ગઈ હતી.

દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ તૂટ્યો 

જાપાન ઉપરાંત, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ખુલતાની સાથે જ લગભગ 3 ટકા તૂટી ગયો હતો. બીજી બાજુ  હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ તેના પાછલા બંધ કરતા નીચે 23,094 પર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 પણ 1.55% ઘટ્યો.

સેન્સેક્સ-નિફ્ટીનું શું થશે? 

નિષ્ણાતોના મતે, નિફ્ટી અને સેન્સેક્સમાં ગેપ-ડાઉન ઓપનિંગની શક્યતા છે. ઓટો, આઇટી અને ફાર્મા શેરોમાં મહત્તમ અસર જોવા મળી શકે છે. ટ્રમ્પના ટેરિફથી ફાર્મા ક્ષેત્રને સૌથી વધુ અસર થવાની અપેક્ષા રાખી શકાય છે. જોકે ચોક્કસ ટેરિફ ટકાવારી વિગતવાર જણાવવામાં આવી નથી, પરંતુ ભારતીય દવા નિકાસ માટે યુએસ એક મહત્વપૂર્ણ બજાર છે. ટેરિફમાં વધારો થવાથી નિકાસ આવકમાં ઘટાડો થઈ શકે છે.