નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે બીજું નામાંકન મળ્યું છે. આ વખતે ઇઝરાયેલ તરફથી ટ્રમ્પને નામાંકિત કરવામાં આવ્યા છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ટ્રમ્પને જણાવ્યું હતું કે તેઓ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરી રહ્યા છે. ટ્રમ્પ અને નેતાન્યાહુએ તાજેતરમાં ઈરાનના પરમાણુ સ્થાનો પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાઓને સંપૂર્ણ રીતે સફળ ગણાવ્યા હતા અને સોમવારે વિજયનો ઉત્સવ મનાવ્યો હતો. તેના અગાઉ પાકિસ્તાન તરફથી પણ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન મળી ચૂક્યું છે.
બંને નેતાઓએ ઈરાન સામેની કાર્યવાહી, તેમ જ ગાઝા પટ્ટીમાં છેલ્લા 21 મહિનાથી ચાલતા યુદ્ધને અટકાવવા માટે 60 દિવસના સંઘર્ષવિરામના પ્રયાસોને લઈને અમેરિકાના ‘વ્હાઇટ હાઉસ’માં રાત્રિભોજન દરમિયાન તેમના ઉચ્ચ સહયોગીઓ સાથે ચર્ચા કરી હતી.
નેતાન્યાહુએ ટ્રમ્પને નામાંકન પત્ર સોંપ્યો
નેતન્યાહુએ નોબેલ સમિતિને સોંપવાના પત્રને ટ્રમ્પને આપતાં જણાવ્યું હતું કે અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે તેઓ (ટ્રમ્પ) એક પછી એક દેશ અને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરી રહ્યા છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે નેતાન્યાહુ સહિત અનેક ઇઝરાયેલી નેતાઓ લાંબા સમયથી ટ્રમ્પ અને અન્ય અમેરિકન નેતાઓ પર ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે સૈન્ય કાર્યવાહી માટે દબાણ કરી રહ્યા હતા. ટ્રમ્પે અમેરિકન સેનાને ત્રણ મુખ્ય ઈરાની પરમાણુ સ્થળો પર બોમ્બ ફેંકવાનો અને ટોમહોક મિસાઇલ હુમલાની સૂચના આપી હતી. આ વર્ષે નેતાન્યાહુની વ્હાઇટ હાઉસની આ ત્રીજી મુલાકાત છે.
પશ્ચિમ એશિયામાં સ્થિરતા આવશે: ટ્રમ્પ
બંને નેતાઓએ આશા વ્યક્ત કરી કે ઈરાનમાં તેમની સફળતાથી પશ્ચિમ એશિયામાં નવી શાંતિયુક્ત યુગની શરૂઆત કરશે. ટ્રમ્પે કહ્યું હતું કે મને લાગે છે કે પશ્ચિમ એશિયામાં સ્થિતિ મોટા પાયે સ્થિર થશે. તેમણે એ પણ ઉમેર્યું છે કે ઈરાન હવે પોતાના પરમાણુ કાર્યક્રમ અંગે ફરીથી વાતચીત કરવા માંગે છે, જોકે ઈરાન તરફથી આ વાતની પુષ્ટિ થઈ નથી.ગયા મહિને પાકિસ્તાન તરફથી ટ્રમ્પ માટે એક જુદું નામાંકન આવ્યું હતું, જેમાં તેમની રાષ્ટ્રપતિપદની કારકિર્દી દરમિયાન “ભારત સાથે તણાવ ઘટાડવા” માટેનું શ્રેય આપ્યું હતું. જોકે નવી દિલ્હીએ સતત આ દાવાને નકારી કાઢ્યો છે કારણ કે ભારત પાકિસ્તાન સંબંધિત મુદ્દાઓમાં કોઈ પણ તૃતીય પક્ષની મધ્યસ્થતાને સ્વીકારતું નથી.
