મોંઘવારી વધતાં ટ્રમ્પે અનેક ચીજવસ્તુઓ પરથી દૂર કર્યો ટેરિફ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ એક નિર્ણયમાંથી યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પે દૈનિકની અનેક ચીજવસ્તુઓ પર લાગેલા ટેરિફને ઘટાડ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકામાં ઘરેલુની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા હતા. જોકે હવે આ ટેરિફમાં ઘટાડાથી અમેરિકન નાગરિકોને મોટી રાહત મળશે.

ટ્રમ્પે બીફ, કોફી અને ટ્રોપિકલ ફળો સહિત અનેક ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યો છે. અમેરિકામાં આ મહિનાના નોન-યર ઇલેક્શનમાં આર્થિક ચિંતાનો મુદ્દો ગરમાયો હતો, જેમાં વસ્તુઓના વધતા ભાવોને લઈને નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. તેની સીધો અસર એવી થઈ કે વર્જિનિયા અને ન્યુ જર્સીમાં ડેમોક્રેટ્સને મોટી જીત મળી.

ટ્રમ્પે એપ્રિલમાં મોટા ભાગના દેશો પર ટેરિફ લગાવી દીધા હતા. તેઓ અને તેમનું વહીવટી તંત્ર લાંબા સમયથી આ દલીલ આપતા આવ્યા છે કે ટેરિફથી ગ્રાહકો પર વધારાનો ભાર પડતો નથી, પરંતુ આર્થિક પુરાવાઓ તેના વિરુદ્ધ છે અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ભાવોમાં તેજ વધારો થયો છે. ટ્રમ્પ તંત્ર પર આર્થિક વ્યૂહરચના બદલવાનું દબાણ વધી ગયું હતું. આવી સ્થિતિમાં ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે ટેરિફ કેટલીક પરિસ્થિતિઓમાં કિંમતો વધારી શકે છે, જોકે તેમના કહેવા મુજબ મોટા ભાગનો ખર્ચ અન્ય દેશોએ સહન કર્યો છે.

ટેરિફ હટાવવાના આ નિર્ણયમાં બીફ, કોફી, ચા, કોકો, મસાલા, કેળાં, સંતરા, ટમેટાં, ફર્ટિલાઇઝર અને અનેક ફૂડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આમાંથી ઘણી વસ્તુઓ અમેરિકામાં બનતી જ નથી, તેથી ટેરિફ લગાવવાથી ગ્રાહક કિંમતો પર કોઈ સકારાત્મક અસર નહોતી. હવે આ ટેરિફ હટતા અમેરિકામાં ગ્રોસરીની કિંમતોમાં ઘટાડાની આશા વ્યક્ત થઈ છે.

ગ્રાહકો પર ઘટાડાશે ભાર

ફૂડ ઇન્ડસ્ટ્રી એસોસિયેશને આ પગલાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે આથી સપ્લાઈ ચેઇનને રાહત મળશે અને ગ્રાહકો પરનો ભાર ઓછો થશે.

અમેરિકન નાગરિકોને મળશે 2000 ડોલર

ટ્રમ્પે એ પણ કહ્યું છે કે ટેરિફમાંથી મળેલી આવકનો ઉપયોગ તેઓ ભવિષ્યમાં અમેરિકન નાગરિકોને 2000 ડોલરના ચેક આપવા માટે કરી શકે છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે આ ચેક ક્યારે આપવામાં આવશે.