ટેરિફની અસર ખાળવા સરકારનો રૂ. 25,000 કરોડનો નિકાસને ટેકો

નવી દિલ્હીઃ અમેરિકી ટેરિફના અસરને ખાળવા સરકારે નિકાસને ટેકો આપવા યોજના બનાવી છે. કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મંત્રાલયે આશરે રૂ. 25,000 કરોડની સપોર્ટ સ્કીમ્સ (Export Promotion Mission) તૈયાર કરી છે, જે છ વર્ષના સમયગાળામાં અમલમાં મૂકવામાં આવશે. તેના દ્વારા અમેરિકાના ઊંચા ટેરિફથી ઊભી થયેલી અનિશ્ચિતતાઓનો સામનો કરી શકાશે.

કોમર્સ મંત્રાલયનો આ પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. મંજૂરી મળતાં જ અને બજેટ ફાળવણી નક્કી થયા બાદ આ સ્કીમો કેબિનેટની મંજૂરી પછી અમલમાં આવશે, એમ સૂત્રોએ કહ્યું હતું. એક્સપોર્ટ પ્રમોશન મિશન અંતર્ગત તૈયાર કરેલી આ સ્કીમોમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) મુજબના હસ્તક્ષેપ સામેલ રહેશે, જેમાં ટ્રેડ ફાઈનાન્સ અને નિકાસકારો માટે માર્કેટ એક્સેસ સરળ બનાવવાનું ધ્યાન કેન્દ્રિત રહેશે.

સરકારે કહ્યું છે કે અમે લાંબા ગાળાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છીએ. આ મિશન એ પડકારોને ઉકેલે છે, જે માત્ર ટેરિફ અને ટ્રેડ વોર સાથે જોડાયેલી અનિશ્ચિતતાઓ સુધી મર્યાદિત નથી.

આ પહેલ એવા સમયે આવી છે જ્યારે નિકાસકારો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે, કારણ કે તેમને ટૂંક સમયમાં અમેરિકા મોકલવામાં આવતા માલ પર 50 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. રત્ન અને આભૂષણ, ટેક્સટાઇલ અને સમુદ્રી ઉત્પાદન જેવાં સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં સામેલ છે.

જોકે બજેટ 2025માં રૂ. 2250 કરોડનું એક્સપોર્ટ પ્રમોશન મિશન જાહેર થયું હતું, પરંતુ એ હજી સુધી અમલમાં મુકાયું નથી.

નવી સ્કીમની ખાસિયતો

  • નાના નિકાસકારો માટે કોલેટરલ-મુક્ત લોનની સુવિધા
  • ક્રોસ-બોર્ડર ફેક્ટરિંગ દ્વારા વૈકલ્પિક નાણાકીય સાધનોને પ્રોત્સાહન
  • ઊંચા જોખમવાળા બજારો માટે સહાય.

ડાયરેક્ટ સબસિડી જેવા વિકલ્પની સંભાવના ઓછી છે, કારણ કે તેને અમલમાં મૂકવું મુશ્કેલ છે અને તેમાં નૈતિક જોખમની ચિંતા રહે છે.