પહેલગામના ત્રણે આતંકીઓનો ખાતમો કરાયોઃ ગૃહ મંત્રી શાહ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરને લઈ લોકસભામાં આજે બીજા દિવસે ચર્ચાની શરૂઆત ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી. તેમણે આ દરમિયાન પહેલગામ આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર અને પહેલગામમાં 26 લોકોની હત્યા કરનાર આતંકીઓ સામે ચલાવેલા સફળ “ઓપરેશન મહાદેવ”ની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન મહાદેવ અંતર્ગત જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય સૈન્ય અને CRPFના જવાનો દ્વારા સંયુક્ત ઓપરેશનમાં પહેલગામના દોષિતોને ઠાર મારવામાં આવ્યા હતા.

ઓપરેશન મહાદેવ વિશે ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 22 એપ્રિલે ઈન્ટેલિજન્સ બ્યુરોના હ્યુમન ઈન્ટેલન્સથી માહિતી મળી હતી કે દાચીગામ વિસ્તારમાં આતંકીઓ હાજર છે. આ માહિતીની પુષ્ટિ કરવા માટે એપ્રિલથી 22 જુલાઈ સુધી સતત પ્રયાસો કરવામાં આવ્યા. ઊંચા વિસ્તારમાં સિગ્નલ પકડવા સૈનિકો સતત શોધખોળ કરતા રહ્યા. 22 જુલાઈએ સેન્સર દ્વારા આતંકીઓની હાજરીની પુષ્ટિ થઈ. ત્યાર બાદ પોલીસ અને સૈનિકોએ આતંકીઓને ઘેરી લીધા હતા.

સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન
લોકસભામાં અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીર પોલીસ, CRPF અને સૈન્યએ સંયુક્ત રીતે ઓપરેશનને અમલમાં મૂક્યો હતો. આતંકીઓ પાસેથી ત્રણ રાઇફલ્સ મળી આવી હતી. એ સાથે જ ગૃહમંત્રીએ ત્રણે આતંકીઓના નામ પણ જાહેર કર્યા હતા – સુલેમાન, જિબ્રાન અને અફઝલ. તેમણે જણાવ્યું હતું કે ત્રણે આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે.

ત્રણે આતંકીઓને માટીમાં મિલાવી દીધા

ગૃહ મંત્રી શાહે કહ્યું હતું કે ઓપરેશન મહાદેવ દરમિયાન સુલેમાન ઉર્ફે ફૈઝલ જટ, અફઝલ અને જિબ્રાનને ઠાર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું  કે ઓપરેશન સિંદૂરે આતંકવાદના આકાઓને પણ માટીમાં મિલાવ્યા છે અને સૈન્ય તથા CRPFએ આતંકીઓને નિષ્ફળ બનાવ્યા છે.