નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી ભાગીરથ ચૌધરીને કાકડીની ખેતી માટે સરકાર તરફથી 99 લાખ રૂપિયાની સબસિડી મળી છે. ભાગીરથ ચૌધરી અજમેરથી લોકસભાના સાંસદ પણ છે. એક તપાસમાં સામે આવ્યું છે કે કેન્દ્રીય મંત્રીને ત્રણ મહિના પહેલાં જ તેમના પોતાના મંત્રાલય હેઠળ ચાલતી એક સરકારી યોજના મારફતે આ સબસિડી આપવામાં આવી હતી. આ યોજના માટે મંજૂરી આપનાર નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ (NHB)માં કૃષિ રાજ્યમંત્રી પદેન ઉપાધ્યક્ષ છે.
વ્યાવસાયિક બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવાનો હેતુ
મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) યોજના વર્ષ 2014-15માં શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ મોટા પાયે વ્યાવસાયિક બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાનું સંચાલન NHB દ્વારા કરવામાં આવે છે, જે કૃષિ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે.
આ યોજના હેઠળ શિમલા મરચાં, કાકડી, ટામેટાં અને આઠ પ્રકારનાં ફૂલોના ઉત્પાદન માટે કુલ પ્રોજેક્ટ ખર્ચના મહત્તમ 50 ટકા સુધી સબસિડી આપવામાં આવે છે. એક પરિવાર માટે સબસિડીની મહત્તમ મર્યાદા એક કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
16,592 ચોરસ મીટરમાં ખેતીનો પ્રોજેક્ટ
કેન્દ્રીય રાજ્યમંત્રી ભાગીરથ ચૌધરીનો આ ખેતી પ્રોજેક્ટ 16,592 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. NHBની સત્તાવાર વેબસાઇટ મુજબ બોર્ડનું સંચાલન તેના નિર્દેશક મંડળ દ્વારા કરવામાં આવે છે. તેમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પદેન ઉપાધ્યક્ષ હોય છે.
વેબસાઇટ પર પદેન ઉપાધ્યક્ષનું નામ
NHBની વેબસાઇટ પર કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રીને પદેન ઉપાધ્યક્ષ તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેમાં ભાગીરથ ચૌધરીનું સત્તાવાર ઈ-મેલ સરનામું પણ આપવામાં આવ્યું છે. બોર્ડના અન્ય સભ્યોમાં કૃષિ વિભાગના સચિવ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)ના મહાનિર્દેશક તેમ જ બાગાયતી ક્ષેત્રના અન્ય અધિકારીઓ અને પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
ये मंत्री जी तो अपने राजस्थान के ही है।
99 लाख का मामला बताया जा रहा है।
कंही ये बुढ़ापा सुधारने का प्रयास तो नहीं। pic.twitter.com/wE9F98XXe1
— Hariram (@HR_Nokha) June 27, 2026
હિતોના ટકરાવ અંગે ઊઠ્યા પ્રશ્નો
આ મામલે ભાગીરથ ચૌધરીને કેટલાક પ્રશ્નો મોકલવામાં આવ્યા હતા. તેમાં પૂછવામાં આવ્યું હતું કે પોતાના જ મંત્રાલયની યોજનામાંથી સબસિડી મેળવવી શું હિતોના ટકરાવ (Conflict of Interest)નો મામલો ગણાય?
મંત્રીના કાર્યાલયે ઈ-મેલ મળ્યાની પુષ્ટિ કરી હતી, પરંતુ આ અંગે મંત્રી તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.




