બોલિવૂડના ઈતિહાસમાં કલાકારો વચ્ચેની સ્પર્ધાના અનેક કિસ્સાઓ તમે હશે પરંતુ સંગીત જગતના બે દિગ્ગજો
કિશોર કુમાર અને શબ્બીર કુમાર વચ્ચેનો આ કિસ્સો કલાપ્રેમ અને પરસ્પર આદરનું એક અદભુત ઉદાહરણ છે. નિર્દેશક મનમોહન દેસાઈની ફિલ્મ ‘કુલી’ (1983) ના બધા જ 8 ગીતો શબ્બીર કુમારે ગાયા છે. પણ ફિલ્મના એક ગીતને પહેલા કિશોરકુમારના સ્વરમાં રેકોર્ડ કરવામાં આવ્યું હોવાની વાતનું રહસ્ય ખુદ શબ્બીર કુમારે જાહેર કર્યું હતું.
‘કુલી’ ના ગીતો તૈયાર થઈ રહ્યા હતા ત્યારે સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલે શબ્બીર કુમારને બોલાવ્યા અને કહ્યું કે મોટાભાગના ગીતો તારા અવાજમાં જ છે. પણ અમે ચાહીએ છીએ કે એક ગીત કિશોર કુમારના સ્વરમાં હોય. તને કોઈ વાંધો નથી ને? શબ્બીર કુમારે કહ્યું કે મને શું વાંધો હોય શકે. સ્ક્રીન પર ટાઈટલ્સમાં એમની સાથે મારું નામ દેખાય એ ગૌરવની વાત છે.

લક્ષ્મીકાંત પ્યારેલાલે શબ્બીર કુમારને સૂચના પણ આપી કે આ વાતની જાણ મનમોહન દેસાઈને કરવી નહીં. કેમકે એમણે બધા જ ગીતો શબ્બીર કુમાર પાસે ગવડાવવાનો આગ્રહ રાખ્યો હતો. પછી કિશોર કુમાર આવ્યા અને એમણે ટાઇટલ ગીત ‘સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈ’ નું રેકોર્ડિંગ કર્યું. એ દિવસે કિશોરદાની તબિયત થોડી નરમ હતી, જેને કારણે ગીતમાં એક-બે જગ્યાએ તેમના ગળામાં થોડી ખારાશ પકડાઈ ગઈ.
કિશોરદાએ હસતા હસતા કહ્યું કે, ‘હું ફરી ક્યારેક આવીને આટલો ભાગ ડબ કરી આપીશ.’ દરમિયાનમાં મનમોહન દેસાઈને આ સિક્રેટ પ્લાનની ખબર પડી ગઈ! જોકે, તેઓ નારાજ ન થયા અને બાકીના ભાગનું ડબિંગ કરાવી લેવાની મંજૂરી આપી દીધી. પરંતુ કિશોર કુમાર પોતાની વ્યસ્તતાને કારણે આગામી બે-ત્રણ મહિના સુધી ડબિંગ માટે સમય જ ન ફાળવી શક્યા. છેવટે કંટાળીને મનજીએ લક્ષ્મીકાંત-પ્યારેલાલને કહી દીધું: ‘હવે બહુ રાહ જોઈ, આ ગીત પણ શબ્બીર પાસે જ રેકોર્ડ કરાવી લો!’ જ્યારે આ વાત શબ્બીરકુમાર સામે આવી ત્યારે તેઓ ધ્રુજી ગયા.

કિશોર કુમાર જેવા મહાન ગાયકે ગાયેલું ગીત પોતાના અવાજમાં ફરીથી ગાવાની હિંમત કોઈ સામાન્ય ગાયક કેવી રીતે કરી શકે? શબ્બીરે સ્પષ્ટ ના પાડી દીધી: ‘હું એમનું ગાયેલું ગીત ગાવાની હિંમત નહીં કરું.’ જ્યારે સંગીતકારો અને નિર્દેશકે વધારે દબાણ કર્યું ત્યારે શબ્બીર કુમારે એક શરત મૂકી: ‘મને લેખિતમાં કંઈ ન જોઈએ, બસ ફોન પર કિશોરદાની સંમતિ મેળવી આપો. જો તેઓ પોતે મને કહેશે કે ‘તું ગાઈ લે’ તો જ હું માઈક હાથમાં લઈશ.’ અને શબ્બીર કુમારની કિશોર કુમાર સાથે ફોન પર વાત કરાવવામાં આવી ત્યારે એમણે કહ્યું કે તું સારું ગાઈ રહ્યો છે તો આ ગીત પણ ગાઈ લે. મને કોઈ વાંધો નથી.
ગુરુતુલ્ય કિશોરદાના આ આશીર્વાદ મળતા જ શબ્બીર કુમારનો આત્મવિશ્વાસ વધી ગયો. તેમણે સ્ટુડિયોમાં જઈને પૂરા જોશથી ‘સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈ…’ ગીત ગાયું. જે આજે પણ ભારતીય સિનેમાના સૌથી આઇકોનિક ગીતોમાંનું એક ગણાય છે. ખરેખર, કિશોર કુમાર માત્ર અવાજના જ નહીં પણ દિલના પણ એટલા જ અમીર હતા!




