પહેલગામ સુધી પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતોઃ DGMO

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયા બાદ ભારતીય સેના દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. DGMO (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે અમારી લડાઈ આતંકવાદી માળખા અને આતંકવાદીઓ વિરુદ્ધ હતી.

એર માર્શલ એકે ભારતી, DG એર ઓપરેશને એક સવાલના જવાબમાં રામ ચરિત માનસની પંક્તિઓ દોહરાવતાં કહ્યું હતું કે विनय ना मानत जलध जड़ गए तीन दिन बीति। बोले राम सकोप तब भय बिनु होय ना प्रीति’.”

તેમણે કહ્યું હતું કે છેલ્લાં થોડાં વર્ષોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું સ્વરૂપ બદલાયું છે. નિર્દોષ નાગરિકો પર હુમલાઓ થઈ રહ્યા હતા. સેનાની સંયુક્ત પત્રકાર પરિષદ ‘અબ રણ હોગા’ ગીતથી શરૂ થઈ હતી. સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારાં જૂનાં હથિયારોએ પણ યુદ્ધમાં શાનદાર કામગીરી કરી અને પાકિસ્તાન સામેની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતૂ. ‘આકાશ’ સિસ્ટમ દ્વારા પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યાં હતાં. એર માર્શલ એ.કે. ભારતી એ જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનની PL-15 મિસાઈલ અને ચીની ડ્રોનને સફળતાપૂર્વક નિશાન બનાવ્યાં હતાં. લેસર ગન વડે પાકિસ્તાની ડ્રોનને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

તેમણે કહ્યું હતું  કે અમે પુનરાવર્તન કર્યું કે અમારી લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સામે છે, પાકિસ્તાની સેના સામે નહીં પણ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે પાકિસ્તાની સેના એ હસ્તક્ષેપ કરવાનો અને આતંકવાદીઓનો પક્ષ લેવાનો રસ્તો પસંદ કર્યો, જેને કારણે અમારે તેમને જવાબ આપવો પડ્યો.

પાકિસ્તાની સેના એ આતંકવાદીઓની લડાઈને પોતાની બનાવી

એર માર્શલ ભારતીએ કહ્યું હતું કે ગઈ કાલે અમે ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપી હતી, જેમાં પાકિસ્તાન અને POK (પાક ઓક્યુપાઈડ કાશ્મીર)માં હાજર આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે હતી. એટલે સાત મેએ અમે માત્ર આતંકવાદી ઠેકાણાંઓ પર જ હુમલો કર્યો હતો. પણ દુઃખની વાત એ છે કે પાકિસ્તાની સેના એ આતંકવાદીઓનો સાથ આપવો યોગ્ય સમજો અને તેમની લડાઈને પોતાની લડાઈ બનાવી લીધી હતી.

DGMO રાજીવ ઘઇએ કહ્યું હતું  કે અમે ઓપરેશન સિંદૂરની એર ડિફેન્સ કાર્યવાહીનો અર્થ સમજી લેવો જરૂરી છે. હવે અમારા સૈનિકો સાથે-સાથે નિર્દોષ નાગરિકો પર પણ હુમલા થવા લાગ્યા હતા. પહેલગામ સુધી પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. આતંકવાદીઓ પર અમારા સચોટ હુમલા LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા વગર કરવામાં આવ્યા હતા.