કુલીનચંદ્ર યાજ્ઞિક અને ચંદ્રકાંત શેઠની ગુણાનુવાદ સભા

અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિદ્યાસભા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા સુપ્રતિષ્ઠિત વિદ્વાન કુલીનચંદ્ર યાજ્ઞિક અને ચંદ્રકાંત શેઠની ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે અવસાન થયું. કુશળ વહીવટકર્તા આઈ.એ.એસની સાથે કુલીનચંદ્ર યાજ્ઞિકે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્ર મહત્વનું યોગદાન આપ્યું હતું. ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને સાહિત્ય પરિષદમાં પ્રેરણારૂપી સકારાત્મક કામો કર્યા હતા.તાજેતરમાં જ બીજા એક વિદ્વાન ચંદ્રકાંત શેઠનું અવસાન થયું. ગુજરાતી વિશ્વકોશમાં મહત્વનું યોગદાન આપનાર ચંદ્રકાંત શેઠ ઉત્કૃષ્ટ ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, હાસ્યકાર, ચિત્રકાર હતા. એમણે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી હતી.

કુલીનચંદ્ર યાજ્ઞિક અને ચંદ્રકાંત શેઠ જેવા જ્ઞાનીજનોની ગુણાનુવાદ સભામાં પોતાના ક્ષેત્રમાં દિગ્ગજ મહાનુભાવોએ એમની સાથેના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, રતિલાલ બોરીસાગર, પ્રવિણ લહેરી, મણિભાઈ પ્રજાપતિ, હસિત મહેતા, નિરજ યાજ્ઞિક, સમીર ભટ્ટે ગુણાનુવાદ સભામાં વક્તવ્ય આપ્યું હતું. ભિખેશ ભટ્ટ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.ગુજરાત સાહિત્ય પરિષદમાં યોજાયેલા કાર્યક્રમમાં સિતાંશુ યશશ્ચંદ્ર સહિત મોટી સંખ્યામાં લેખકો, સાહિત્યકારો, વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)