નવી દિલ્હીઃ અમેરિકન ટેરિફથી ઝઝૂમી રહેલા ભારતના MSME એક્સપોર્ટર્સ માટે કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. સરકાર એક મેગા સપોર્ટ પેકેજ લાવવાની છે, જેના દ્વારા નાના એક્સપોર્ટર્સને 45થી 80 અબજ ડોલર સુધીના અંદાજિત નુકસાનમાંથી રાહત મળશે, એમ અહેવાલ કહે છે.
પાંચ નવી યોજનાઓ
આ પેકેજ હેઠળ પાંચ નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે, જે કોવિડ-19 દરમિયાન શરૂ કરેલી ક્રેડિટ ગેરંટી યોજનાઓ જેવી હશે. તેનો હેતુ MSMEs ને સરળતાથી વર્કિંગ કેપિટલ ઉપલબ્ધ કરાવવાનો, કોલેટરલ-ફ્રી લોનની મર્યાદા 10 લાખ રૂપિયા પરથી વધારીને 20 લાખ રૂપિયા કરવાની અને વ્યાજદરમાં વિશેષ રાહત આપવાનો છે.
વિવિધ સેક્ટર્સ માટે તૈયાર થશે સપોર્ટ વિન્ડો
સરકારની યોજના ઇક્વિટી ફાઇનાન્સિંગના નવા ચેનલ ખોલવાની પણ છે, જેથી કંપનીઓ દેવાંનો ભાર વધાર્યા વગર ગ્રોથ કેપિટલ મેળવી શકે. એ સાથે જ ટેક્સટાઇલ, જ્વેલરી, લેધર, એન્જિનિયરિંગ ગુડ્સ અને કૃષિ-મરીન એક્સપોર્ટ જેવાં સેક્ટર્સ માટે અલગ-અલગ સપોર્ટ વિન્ડો તૈયાર કરવામાં આવશે.
MSMEને વૈશ્વિક ઝટકાથી બચાવશે સરકાર
સરકાર GSTમાં કાપ અને ITC રિફંડ્સ ઝડપથી પૂર્ણ કરવા જેવા ટેક્સ રાહત ઉપાયો પર પણ વિચાર કરી રહી છે. તેનો સીધો ફાયદો MSMEs ને તરત જ કેશ ફ્લોમાં થશે. સરકારનું કહેવું છે કે આ પેકેજનો મુખ્ય હેતુ MSME નિકાસકારોને વર્કિંગ કેપિટલ સ્ટ્રેસ ઘટાડવાનો, રોજગાર બચાવવાનો અને તેમને નવાં બજારોમાં શિપમેન્ટ ડાયવર્સિફાય કરવાનો સમય આપવાનો છે. આ પગલું સ્પષ્ટ કરે છે કે સરકાર ભારતીય MSME ને વૈશ્વિક ઝટકાથી બચાવવા માટે તેમને મજબૂતી આપવા પૂરી રીતે તૈયાર છે.


