દિલ્હી હાઇકોર્ટએ તુર્કીની એરલાઇન્સ કંપનીની અરજી ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે સોમવારે તુર્કીની એરલાઇન્સ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસિઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની અરજી ફગાવી દીધી હતી. કંપનીએ ભારત સરકાર દ્વારા બ્યુરો ઓફ સિવિલ એવિયેશન સિક્યોરિટી (BCAS) દ્વારા તેમની સુરક્ષા મંજૂરી પાછી ખેંચવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, પરંતુ કોર્ટે આ અરજીને એમ કહીને ફગાવી દીધી કે સરકારનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં છે.

સેલેબી એરપોર્ટ સર્વિસિઝ ઈન્ડિયા પ્રા. લિ. અને સેલેબી દિલ્હી કાર્ગો ટર્મિનલ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રા. લિ. ભારતનાં વિવિધ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો ટર્મિનલની કામગીરી સંભાળે છે. વિમાન સુરક્ષા નિયામક BCASએ રાષ્ટ્રીય સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખીને 15 મે 2025એ સેલેબીથી તેની સુરક્ષા મંજૂરી પાછી ખેંચી લીધી હતી.

જસ્ટિસ સચિન દત્તાએ સેલેબી એરપોર્ટ સર્વિસિઝ અને સેલેબી કાર્ગો ટર્મિનલ દ્વારા દાખલ કરાયેલી બંને અરજીઓ ફગાવી દીધી. કોર્ટે આ મામલામાં 23 મેએ સુનાવણી પૂર્ણ કર્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

ઓપરેશન સિંદૂર પછી લેવામાં આવ્યો નિર્ણય
કેન્દ્ર સરકારે આ નિર્ણય ઓપરેશન સિંદૂર બાદ લીધો હતો, જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો અને તેને ડ્રોન મોકલ્યા હતા. જેને કારણે ભારતમાં ભારે જનાક્રોશ થયો હતો. સરકારે પણ કડક પગલાં લેતાં સેલેબી સાથેના કરારને રદ કરી દીધો હતો.

ભારત સરકારે શો જવાબ આપ્યો હતો?
સેલેબી દ્વારા આ નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સેલેબીના વકીલે દલીલ કરી કે નાગરિક હવાઈ સુરક્ષા બ્યુરો (BCAS) એ નિર્ણય લેતાં પહેલાં તેમને કારણ જણાવવું જોઈતું હતું. પરંતુ કેન્દ્ર સરકારે 19 મેએ જવાબ આપતાં જણાવ્યું હતું કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા હિતમાં લેવામાં આવ્યો છે, કારણ કે જેમ તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો છે, તેને કારણે આ કંપનીઓની સેવા ચાલુ રાખવી જોખમી સાબિત થઈ શકે છે.