અમરેલી, જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ

જૂનાગઢઃ ઉનાળાનો પ્રારંભ થતાં જ લોકો કેરીની આતુરતાથી રાહ જુએ છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ તેમ જ અમરેલી જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. યાર્ડમાં આજથી ગીરની કેસર કેરીની આવકના શ્રીગણેશ થયા છે. આજે સીઝનમાં પ્રથમ વાર ગીર પંથકમાંથી કેરીનાં 40 બોક્સ આવ્યા હતા અને દસ કિલોના બોક્સના 1200થી 1800 રૂપિયા લેખે વેચાણ થયું હતું.

આ વર્ષે કેસર કેરી બજારમાં આવશે પણ ઉત્પાદન ઓછું રહશે તેવી ખેડૂતોની ધારણા છે અને શરૂઆતમાં ભાવ પણ ખૂબ ઊંચા જોવા મળશે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને તાલાળા યાર્ડ આ બે યાર્ડ કેસર કેરીનાં હબ મનાય છે અને પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં કેસર કેરીના બોક્સની આવક રહે છે. આ વર્ષે કેસર કેરીની સીઝનમાં જાન્યુઆરીમાં જે આંબા પર ફ્લાવરિંગ થયું હતું તે કેરી વહેલી આવી છે. માર્કેટિંગ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીનું સમયસર જ આગમન થયું છે. જોકે નિયમીત કેસર કેરીની આવક થતાં હજુ એક-બે સપ્તાહ થાય તેવી શક્યતા છે.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફૂસ કેરીની આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 3000થી 5500 રૂપિયા સુધી બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ ચાર ક્વિન્ટલ કેરીની આવક નોંધવામાં હતી. જેમાં બે ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધવામાં આવી હતી. આ ઉપરાંત હાફૂસ કેરીની આવક પણ નોંધાઈ હતી. હાફૂસ કેરીનો ભાવ 3500થી 5800 રૂપિયા સુધી નોંધાયો હતો. બે ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. હાફૂસ કેરીનો 5400 સરેરાશ ભાવ બોલાવ્યો હતો. ચાલુ સીઝનમાં કેસર કેરી કરતાં હાફૂસ કેરીના ભાવ 300 વધુ છે.

અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની સાથે ચીકુની આવક નોંધાઈ હતી. ચીકુનો ભાવ રૂ. 600થી 1200 સુધી નોંધાયો હતો. ચીકુની 20 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. દાડમનો ભાવ રૂ. 1200થી 2100 સુધી નોંધાયો હતો. દાડમની 10 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. મોસંબીનો ભાવ 500થી એક હજાર રૂપિયા સુધી નોંધાયો હતો. મોસંબીની 20 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.