મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે ટેક્સીચાલકો માટે મરાઠીમાં જ વાત કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એક વર્ગ આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યો છે અને ઉદારતા દાખવવાની અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ કર્યું છે કે કોઈ છૂટ આપવામાં નહીં આવે.

તેમને પૂછવામાં આવ્યું હતું કે જો આવી છૂટ નહીં આપવામાં આવે તો મુંબઈની કોસ્મોપોલિટન સંસ્કૃતિ પર અસર નહીં થાય? તેના જવાબમાં સરનાઈકે કહ્યું કે આવું કંઈ પણ નહીં ચાલે. મહારાષ્ટ્રમાં મરાઠી બોલવી જ પડશે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ ભાષા બોલતા લોકો હોય, તેમણે મરાઠી બોલવી પડશે અને જો મરાઠી આવડતી ન હોય તો શીખવી પડશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મુંબઈમાં તો અનેક ભાષાઓ બોલતા લોકો રહે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે આ માટે પણ કોઈ છૂટ આપવામાં આવશે નહીં. મુંબઈમાં અન્ય ભાષાઓમાં વાત કરવાની છૂટ આપવી જોઈએ અને લોકોને મરાઠી બોલવા કે શીખવા માટે મજબૂર ન કરવા જોઈએ, એવા સવાલ પર સરનાઈકે કહ્યું હતું કે આ બિલકુલ સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર છે અને મુંબઈ પણ તેનાથી અલગ નથી. શહેરની ભાષાકીય ઓળખ મહારાષ્ટ્રથી અલગ ન હોઈ શકે. તેમણે કહ્યું હતું કે ભાષાને લઈને આ નીતિ વર્ષોથી રહી છે, પરંતુ હવે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.

ફડણવીસ સરકારના મંત્રીએ કહ્યું કે અમે કોઈની કમાણી પર અસર કરવા માગતા નથી. અમારી માત્ર એટલી જ માગ છે કે તેઓ મરાઠી ભાષા શીખે. તેમણે કહ્યું હતું કે અમે મુંબઈમાં સૌનું સ્વાગત કરીએ છીએ, પરંતુ તેમણે મરાઠી ભાષાનું સન્માન કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે મરાઠી શીખવવા માટે અમે 1600 શિક્ષકોની નિમણૂક કરી છે અને 1600 સ્થળોએ મરાઠી ભણાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રસ્તાઓ પર ભાષાને લઈને વિવાદ ન થાય તે માટે આવાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. સરનાઈકે ફરી સ્પષ્ટ કર્યું હતું કે આ મહારાષ્ટ્ર છે અને અહીં કોઈ ઢીલ આપવામાં આવશે નહીં.




