‘તમિલનાડુને લૂંટનારા હવે ભાજપની વધતી સત્તાથી ડરી ગયા છે’ : PM મોદી

કેરળ મુલાકાત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘એન મન એક મક્કલ’ કૂચના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે મંગળવારે તમિલનાડુના તિરુપુર પહોંચ્યા. અહીં તેમણે જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે 2024માં તમિલનાડુની આજે સૌથી વધુ ચર્ચા છે, કારણ કે દેશમાં તમિલનાડુ વિકાસની રાજનીતિનું સૌથી નવું વાઈબ્રન્ટ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. તમિલનાડુ 2024માં ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આજે સંપન્ન થયેલી ઐતિહાસિક ‘એન મન એન મક્કલ’ પદયાત્રા તેનો સૌથી મોટો પુરાવો છે.

પીએમ મોદીનો ડીએમકે અને કોંગ્રેસ પર પ્રહાર

પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તમિલનાડુને દાયકાઓ સુધી લૂંટનારાઓ હવે ભાજપની વધતી શક્તિથી ડરી ગયા છે. તેઓ જૂઠું બોલીને લોકોમાં ભાગલા પાડીને અને લોકોને એકબીજામાં લડાવીને પોતાની સત્તા બચાવવા માગે છે. પરંતુ તમિલનાડુના લોકો જેટલા બુદ્ધિશાળી છે તેટલા જ તેઓ સ્વચ્છ દિલના પણ છે. તેઓ સત્ય જાણે છે, તેઓ વાસ્તવિકતા જાણે છે.

તમારું ઉજ્જવળ ભવિષ્ય મોદીની ગેરંટી

પીએમ મોદીએ તમામ ભાજપના કાર્યકરોને તામિલનાડુના લોકોની શ્રેષ્ઠ સેવા કરવા અને ત્રીજી ટર્મ માટે ભાજપનો સંકલ્પ તમિલનાડુના દરેક ઘર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી. પીએમ મોદીએ કહ્યું, તમારું ઉજ્જવળ ભવિષ્ય મોદીની ગેરંટી છે. તમારે યાદ રાખવું જોઈએ કે મોદી હંમેશા તમારી સાથે છે!’

કોંગ્રેસના શાસનમાં કોઈ વિકાસ થયો નથી

પીએમ મોદીએ તમિલનાડુમાં કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા કામોની ગણતરી કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં કોઈ વિકાસ થયો નથી, જ્યારે અમે તમિલનાડુના વિકાસને સુનિશ્ચિત કરવા માટે સતત અને સમર્પિત પ્રયાસો કરી રહ્યા છીએ. મુદ્રા યોજના હેઠળ તમિલનાડુમાં ઉદ્યોગસાહસિકોને 2 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ એમજીઆરને યાદ કર્યા

એમજીઆરને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ સાચા નેતા હતા. આજે કમનસીબે તમિલનાડુમાં ડીએમકે જે રીતે કામ કરી રહ્યું છે તે એમજીઆર સાહેબનું અપમાન છે. એમજીઆર પછી તામિલનાડુના વિકાસ અને સમૃદ્ધિ માટે જો કોઈ કામ કરતું હોય તો તે અમ્મા જયલલિતા હતા. પીએમએ કહ્યું કે MGRએ લોકોને પરિવારના આધારે નહીં પરંતુ પ્રતિભાના આધારે આગળ લઈ ગયા, પરંતુ દુર્ભાગ્યવશ તમિલનાડુમાં આજે DMKના કારણે જે રાજનીતિ થઈ રહી છે તે MGR સાહેબના અપમાન સમાન છે. એમજીઆર પછી જો કોઈ હોય તો તે અમ્મા જયલલિતાજી હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન તમિલનાડુના જનહિત અને કલ્યાણ માટે આપી દીધું.