રોહિત, કોહલીની સિડની ટેસ્ટ કેરિયરની છેલ્લી મેચ હોવાની શક્યતા  

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યા છે. પહેલાં ન્યુ ઝીલેન્ડની વિરુદ્ધ ઘરેલુ સિરીઝ અને એ પછી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં બંને બેટ્સમેનો રન નથી બનાવી શક્યા. વિરાટે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પર્થ ટેસ્ટમાં એક સદી ફટકારી હતી, પણ એ પછી તેણે ખાસ રન નથી બનાવ્યા. મેલબોર્ન ટેસ્ટ હાર્યા પછી રોહિત અને વિરાટના ટેસ્ટ સંન્યાસની અટકળો તેજ થઈ છે. એ માટે ગાવસકર અને ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ બંને ક્રિકેટરોની ટીકા કરી છે.

બંને ક્રિકેટરો માટે ગાવસકરે કહ્યું હતું કે બંનેએ ન્યુ ઝીલેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં પણ રન નહોતા બનાવ્યા. જો તેઓ રન નથી બનાવી શકતા તો તેમની કેરિયરની સિડની ટેસ્ટ છેલ્લી હોઈ શકે છે.

આ સાથે ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ એક વાતચીતમાં કહ્યું હતું કે વિરાટ કોહલી હજુ 3-4 વર્ષ સુધી રમી શકે છે, પણ રોહિત શર્માએ ટેસ્ટ કેરિયર પર નિર્ણય લઈ લેવો જોઈએ. આ સિરીઝમાં અત્યાર સુધીમાં રોહિતે બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ત્રણ અને બીજી ઇનિંગમાં છ રન બનાવ્યા હતા. ત્યાર બાદ ત્રીજી ટેસ્ટમાં રોહિતે પહેલી ઇનિંગમાં 10 રન બનાવી આઉટ થઇ ગયો હતો. આ બંને મેચમાં રોહિત શર્માએ છઠ્ઠા ક્રમે બેટિંગ કરી હતી અને તે ફ્લોપ સાબિત થયો હતો.