ફરી નહીં લેવાય NEETની પરીક્ષા, સુપ્રીમનો મોટો ચુકાદો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ NEET પરીક્ષાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. NEET પેપર લીક પર ચુકાદો આપતા સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ચંદ્રચુડે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી. તેમ છતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ભવિષ્યમાં ફરી આ પ્રકારની કોઈપણ ઘટના ન બને તે માટે કાળજી રાખે. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. સુપ્રીમ કોર્ટ NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવે છે. 23મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે NEETની ફરીથી પરીક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તે આગામી દિવસોમાં આ અંગે વિગતવાર આદેશ આપશે.

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપી દીધો છે. કોર્ટે કહ્યું કે, તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ કોઈ સિસ્ટમેટિક ફેલિયર નથી. પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી મર્યાદિત છે. અમે માળખાકીય ખામીઓ પર ધ્યાન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થવાને રોકવા માટે સ્ટોરેજ માટે SOP તૈયાર કરવાની જવાબદારી સરકાર અને NTAની છે. જો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોઈની ફરિયાદનું નિરાકરણ ન આવે તો તે હાઈકોર્ટમાં જઈ શકે છે. અમે NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ.એ આ મામલે ચુકાદો સંભળાવતા કહ્યું કે હવેથી પેપરને ઓપન ઈ-રિક્ષામાં લઈ જવાની જગ્યાએ રિયલ ટાઈમ ઈલેક્ટ્રોનિક લૉક સિસ્ટમ સાથે બંધ વાહનમાં મોકલવાની વ્યવસ્થા પર વિચારવામાં આવે. સમિતિ વિદ્યાર્થીઓની માનસિક હાલતમાં સુધારો કરવાના કાર્યક્રમની યોજનાઓ અંગે ભલામણ કરે. આ સાથે વિદ્યાર્થીઓ પર થયેલી માનસિક અસરનું આકલન પણ કરે. આ સાથે સમિતિને એનટીએના સભ્યો, પરીક્ષકો, કર્મચારીઓ વગેરેની ટ્રેનિંગની વ્યવહારિતા પર વિચાર કરવાનું સૂચન કરાયું. જેથી પરીક્ષાની અખંડતાને સારી રીતે સંભાળી શકાય.