અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT), ગિફ્ટ સિટી (GIFT City)ના 48 વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગાંધીનગર સ્થિત Prizor Viztech Ltd.ની મેન્યુફેક્ચરિંગ સુવિધાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓને સર્વેલન્સ કેમેરા કેવી રીતે બનાવવામાં આવે છે, તેની એસેમ્બલી કેવી રીતે થાય છે અને તેને બજાર માટે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની પ્રત્યક્ષ જાણકારી મળી હતી.
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સર્વેલન્સ ઉદ્યોગના વ્યાપક પરિદૃશ્યને સમજવાની તક પણ મળી હતી. તેમાં આયાત પરની નિર્ભરતા, સ્થાનિક ઉત્પાદન, કંપનીની વૈશ્વિક વિસ્તરણની યોજનાઓ તેમ જ ભારતીય સર્વેલન્સ કંપની માટે વૈશ્વિક બજાર માટે ટેક્નોલોજી વિકસાવવાના પડકારો અંગે ચર્ચા થઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ માટે સર્વેલન્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની આ પ્રથમ મુલાકાત હતી. આ અનુભવથી તેમને વર્ગખંડમાં થતી ચર્ચાઓથી આગળ વધીને આધુનિક સર્વેલન્સ સોલ્યુશન્સ પાછળની ટેક્નોલોજી, ઉત્પાદન પ્રક્રિયા અને બિઝનેસ ઇકોસિસ્ટમને સમજવાની તક મળી હતી. વિદ્યાર્થીઓએ કંપનીની ઉત્પાદન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે SMT લાઇન્સ અને PCB ઉત્પાદનથી લઈને ડોમ, બુલેટ સહિતના વિવિધ પ્રકારના કેમેરાની એસેમ્બલી, ત્યાર બાદ ટેસ્ટિંગ, ગુણવત્તા ચકાસણી અને અંતિમ પેકેજિંગ સુધીની પ્રક્રિયા નજીકથી જોઈ હતી.
આ મુલાકાત કંપની દ્વારા ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સને ભારતીય સર્વેલન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનો પ્રત્યક્ષ અનુભવ આપવા માટે હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસનો એક ભાગ હતી. ‘મેક ઇન ઇન્ડિયા’ CCTV મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે (Prizor) વિદ્યાર્થીઓને વાસ્તવિક ઉદ્યોગ અનુભવ આપવા માટે પોતાની મેન્યુફેક્ચરિંગ સુવિધાના દરવાજા ખોલી રહી છે. ગયા મહિને અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ આ કંપનીની મુલાકાત લીધી હતી.
ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચેના આવા સંવાદના મહત્વ અંગે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. મિતાલી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે દેશમાં ટેક્નોલોજીનું નિર્માણ અને ઉત્પાદન કરવામાં શું જરૂરી છે તે ભાવિ બિઝનેસ લીડર્સને બતાવવા માટે અમને હંમેશા આનંદ થાય છે. વિદ્યાર્થીઓએ આયાત પરની નિર્ભરતા, સ્થાનિક ઉત્પાદન, વૈશ્વિક વિસ્તરણની અમારી યોજનાઓ અને Tier-2 તથા Tier-3 બજારોમાં ભારતીય સર્વેલન્સ કંપની કેવી રીતે મજબૂત ઓળખ બનાવી શકે તે અંગે જે પ્રશ્નો પૂછ્યા તે ખાસ રસપ્રદ હતા. યુવા પેઢીના નવા વિચારો અમને પણ અલગ રીતે વિચારવા અને ભવિષ્ય તરફ વધુ સ્પષ્ટ દૃષ્ટિકોણ સાથે આગળ વધવા પ્રેરણા આપે છે.

આ મુલાકાત બાદ વિદ્યાર્થીઓએ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. મિતાલી ગૌસ્વામી તથા ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ડી.જી. ગૌસ્વામી સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સર્વેલન્સ ઉદ્યોગમાં થઈ રહેલા ફેરફારો, તકો અને પડકારો તેમ જ વૈશ્વિક સુરક્ષા ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની વધતી ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. IIFTના 2028 બેચના વિદ્યાર્થી પ્રાંજલ ભડૌરિયાએ પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે સર્વેલન્સ સિસ્ટમનું મેન્યુફેક્ચરિંગ આટલી નજીકથી જોવું ખૂબ જ જ્ઞાનપ્રદ અનુભવ રહ્યો. અહીં સમગ્ર ઉત્પાદન, એસેમ્બલી અને પેકિંગ પ્રક્રિયા સમજવા મળી. પ્રોડક્શન સ્ટાફે અમને દરેક તબક્કાની પ્રક્રિયા સમજાવી અને દેશમાં સર્વેલન્સ ક્ષેત્ર સમગ્ર ઇકોસિસ્ટમ તરીકે કેવી રીતે કામ કરે છે તેની પણ માહિતી મળી.
આ મુલાકાત દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ કંપની સાથે લાઇવ પ્રોજેક્ટ્સ તથા કામ કરવાની સંભવિત તકોમાં પણ રસ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’ના મોટા વિઝનમાં તેઓ કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે ઉત્સુકતા જોવા મળી હતી.




