લખનઉ: આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027’ના પ્રચાર-પ્રસાર અને રોકાણ આકર્ષવાના હેતુસર શહેરની હોટેલ હિલ્ટન ખાતે ગુજરાત સરકાર દ્વારા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ તેમજ બંને રાજ્યોના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બંને રાજ્યો વિકસિત ભારતના પૂરક ગ્રોથ એન્જિન
ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રમણભાઈ સોલંકીના નેતૃત્વમાં ગયેલા ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળે યુપીના ઉદ્યોગોને સમિટમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. મંત્રીએ ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ, એરોસ્પેસ, સેમિકન્ડક્ટર્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ અને ટેક્સટાઇલ્સ જેવા ક્ષેત્રોમાં બંને રાજ્યોની પૂરક શક્તિઓ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ઉત્તર પ્રદેશના ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, “ગુજરાત અને ઉત્તર પ્રદેશ એકબીજાના હરીફ નથી, પરંતુ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની યાત્રાને વેગ આપતા પૂરક વિકાસ એન્જિન (ગ્રોથ એન્જિન) છે.”
ગુજરાતની આર્થિક તાકાત અને રોકાણની તકો
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા (IAS)એ સમિટની થીમ “વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર” પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, USD 318 બિલિયનના અર્થતંત્ર અને દેશની કુલ નિકાસમાં 25% હિસ્સા સાથે ગુજરાત વિશ્વ-કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રગતિશીલ નીતિઓ ધરાવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતના આદિજાતિ વિકાસ સચિવ અને રોડ-શોના નોડલ ઓફિસર આલોક કુમાર પાંડે (IAS), MSME કમિશનર ક્ષિપ્રા આગ્રે (IAS) તેમજ યુપી સરકારના અગ્ર સચિવ શશી ભૂષણ લાલ સુશીલ (IAS) અને ASSOCHAMના પૂરન દાવર ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્યોગપતિઓએ શેર કર્યા ગુજરાતના અનુભવો
કાર્યક્રમ દરમિયાન RSPL ગ્રુપના CEO ટિંકુ છાબડા, યુનો મિન્ડા લિમિટેડના ડૉ. આનંદી એન. સિંહા અને એશિયન પેઇન્ટ્સના અમિત કુમાર સિંહે ગુજરાતમાં વ્યાપાર કરવાની સરળતા (Ease of Doing Business), પારદર્શક શાસન અને સરકારની નીતિગત સહાય અંગે પોતાના હકારાત્મક અનુભવો રજૂ કર્યા હતા.
વન-ટુ-વન બેઠકો અને શુભેચ્છા મુલાકાત
રોડ-શો ઉપરાંત મંત્રી રમણભાઈ સોલંકી અને અધિકારીઓએ કેમિકલ્સ, હેલ્થકેર, એન્જિનિયરિંગ અને ડિફેન્સ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી તેમજ લખનઉ સ્થિત ગુજરાતી સમાજના સભ્યો સાથે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ 25 નવેમ્બરે આ પ્રતિનિધિમંડળે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની મુલાકાત લઈ તેમને VGGS 2027 માટે આમંત્રણ પાઠવ્યું હતું.
વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની આ 11મી આવૃત્તિ વૈશ્વિક રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એક મંચ પર લાવી ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને નવી ગતિ આપશે.




