અમદાવાદઃ ભારતીય શેરબજારો સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. અમેરિકી વહીવટી તંત્ર તરફથી 75થી વધુ દેશો પર ટેરિફ પોઝ કર્યા પછી અમેરિકી બજારોમાં તેજી થઈ હતી, જેની અસર ભારતીય બજારો પર જોવા મળી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 11 લાખ કરોડનો વધારો થયો હતો.
નિફ્ટી બેન્ક વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી, BSEના બધા સેક્ટર તેજી સાથે બંધ થયા હતા, જેમાં મેટલ અને ઓટો ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ સુધર્યા હતા. રિયલ્ટી ઇન્ડેક્સ 5.5 ટકાથી વધુ વધ્યો હતો, જ્યારે IT, એનર્જી અને ઓઇલ અને ગેસ શેરોમાં નોંધપાત્ર ખરીદી થઈ હતી.
બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં તેજીની વચ્ચે ઇન્ડિયા VIX 19 ટકા નીચે સરક્યો હતો. નિફ્ટી 50માંથી 49 શેરો તેજી સાથે બંધ થયા હતા. ટ્રેડિંગ સેશનના અંતે BSE સેન્સેક્સ 1578 પોઇન્ટ ઊછળી 76,735 બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 500 પોઇન્ટની તેજી સાથે 23,329ના સ્તરે બંધ થયો હતો. નિફટી બેન્ક 1377 પોઇન્ટની તેજી સાથે 52,380ના સ્તરે અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1473 પોઇન્ટ ઊછળી 51,974ના મથાળે બંધ થયા હતા.
BSE પર કુલ 4256 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 3305 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 782 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 169 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 91 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 49 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 463 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 172 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
