ચીનમાં તાવ-ન્યુમોનિયાના હાહાકાર વચ્ચે ગુજરાત સરકાર એક્શન મોડમાં

ચીનમાં વાઇરસના પ્રકોપે અમદાવાદની હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ ગોઠવાયા છે. અમદાવાદની સોલામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1,393 થયા છે. તેમાં હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે કે જરૂર જણાશે તો આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવશે.

હોસ્પિટલમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં ઉછાળો નોંધાયો છે. ચીનમાં ભેદી તાવ-ન્યુમોનિયાના પ્રકોપ વચ્ચે રાજ્ય સરકારે એલર્ટ આપ્યું હતું. બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ ગોઠવાયા છે, જરૂર જણાશે તો આઈસોલેશન વોર્ડ પણ શરૂ કરાશે. હોસ્પિટલમાં વેન્ટિલેટર, પીપીઈ કિટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી, તાવ, ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસમાં ઉછાળો નોંધાયો છે, ગત સપ્તાહે વાયરલના 871 કેસ હતા, જોકે આ સપ્તાહે 1,393 કેસમાં દર્દીઓને સારવાર આપવી પડી છે.

સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રોના કહેવા પ્રમાણે છેલ્લા એક મહિનામાં વાયરલના 4790 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 146 શંકાસ્પદ કેસ હતા, જેમાંથી 6ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મેલેરિયાના 252 શંકાસ્પદ કેસ હતા, જેમાંથી એકેય રિપોર્ટ પોઝિટિવ નથી. ચિકન ગુનિયાના 19 શંકાસ્પદ દર્દીમાંથી બેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ઝાડાના 12 કેસ અને વાયરલ હિપેટાઈટિસના 2, ટાઈફોઈડમાં એક દર્દીને સારવાર આપવી પડી છે. સોલા સિવિલમાં બાળકો માટેની ઓપીડીમાં જે કે નોંધાય છે તેમાંથી 25 ટકા જેટલાને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે પુખ્ત વયના દર્દીમાં આ રેશિયો આઠથી 12 ટકા જેટલો છે.