મોરબી દુર્ઘટના કેસઃ સુપ્રીમ કોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે, અત્યારે નીચલી કોર્ટ કે હાઈકોર્ટ પાસે જામીન મેળવવા માટે પ્રયત્ન કરો.ઓક્ટોબર 2022નાં કેબલ બ્રિજ તૂટવાના લીધે 135થી વધુ લોકોના મોત થયા હતા અને SITના રિપોર્ટમાં ઓરેવા કંપનીની બેદરકારી હોવાનું જણાવાયું છે.હવે 12 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજીઓ પર સુનાવણી થશે. 21 નવેમ્બરે જયસુખ પટેલે વચગાળાના જામીન મેળવવા સુપ્રીમ કોર્ટમા અરજી કરી હતી. અગાઉ હાઇકોર્ટે જે કર્મચારીઓને જામીન આપ્યા હતા. તેની સામે પીડિત પક્ષ સુપ્રીમ કોર્ટ પણ ગયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો.

30 ઓકટોબરે મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો

ગત વર્ષે 30 ઓકટોબરે મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો. આ બ્રિજ તૂટતા મચ્છુ નદીમાં પડવાથી 135 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ, કંપનીના બે મેનેજર, બ્રિજનું રીપેરીંગ કામ કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના બે કોન્ટ્રાકટર, બે ટિકિટ વેચનાર ક્લાર્ક અને ત્રણ સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પૈકી ટિકિટ આપનાર બે કલાર્ક અને ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને એક મેનેજર દિનેશ દવે એમ કુલ છ આરોપીઓને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. મુખ્ય આરોપી જયસુખ પટેલ, ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશ પરમારની જામીન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.