દૂષિત આયુર્વેદિક સિરપ પીવાથી પાંચનાં મોત, ત્રણની ધરપકડ

અમદાવાદઃ ખેડા જિલ્લામાં બે દિવસમાં પાંચ વ્યકિતનાં શંકાસ્પદ મોત થયાં હતાં. આ લોકોનાં મિથાઇલ આલ્કોહલયુક્ત ઝેરીલા સિરપ પીવાને લીધે પાંચ લોકોનાં મોત થયાં હતાં. બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર  નડિયાદના બિલોદરા ગામમાં બે દિવસમાં બે લોકોના તો મહુધા તાલુકાના બગડુ ગામે પણ બે વ્યકિતનાં શંકાસ્પદ મોત થયાં હતાં. હાલમાં એક વ્યકિત ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ કેસમાં Sog, LCB, નડિયાદ રૂરલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ખેડાના એસપી  રાજેશ ગઢિયાએ જણાવ્યું છે કે  એક આયુર્વેદિક સિરપ પીધા બાદ પાંચ લોકોનાં મોત અને બે લોકોને અસર પહોંચી છે. આ આયુર્વેદિક સિરપ બિલોદરા ગામના કરિયાણાની દુકાનમાંથી આ લોકોએ ખરીદ્યું હતું.

આ અંગેની માહિતી મળતા તાત્કાલિક પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી.આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે ‘બિલોદરા ગામની ચાર વ્યક્તિ છે. અશોકભાઇ, નટુભાઇ અને અર્જુનભાઇ અને અશોકભાઇનું પણ આ રીતે જ મોત થયું હતુ. આ ચાર મોત થયા પણ પોલીસને આ અંગેની કોઇ જાણ કરવામાં આવી ન હતી.’

તેમણે કહ્યું હતું કે આ સિરપ કરિયાણાની દુકાનમાં મળતી હતી. ગામ લોકોને શંકા છે કે  બિલોદરા ગામનાં જે ત્રણ લોકોનું મોત થયું છે તેમણે આ સિરપ પીધાની આશંકા છે. દુકાનદારને ઝડપી લેવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે  આ દુકાનદાર રૂ. 100ની બોટલ લાવીને રૂ. 130માં વેચતો હતો. આ આયુર્વેદિક પીણું તેણે છેલ્લા એક સપ્તાહમાં 50થી 60 લોકોને વેચ્યું છે. તેને જે લોકોને આ સિરપ વેચી હતી તેમના નામનું એક લિસ્ટ બનાવીને તમામ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ અન્ય કોઇની ખરાબ બગડી ન હતી.