વિવાદાસ્પદ પોસ્ટ બાદ ક્રિકેટર યશ દયાલે કહ્યું, મારું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ હેક કરાયું છે

લખનઉઃ આઈપીએલ ટીમ ગુજરાત ટાઈટન્સના ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલે આજે એવો દાવો કર્યો છે કે એનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ હેક કરવામાં આવ્યું છે. આ દાવો એણે ત્યારે કર્યો જ્યારે એના એકાઉન્ટ પર આજે સવારે એક વિવાદાસ્પદ ધાર્મિક પ્રકારની પોસ્ટ મૂકાઈ હતી. એણે તે ડિલીટ કરી હતી અને માફી માગી હતી.

યશ દયાલ રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ વતી રમે છે. આ વખતની આઈપીએલની એક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટર રિંકુ સિંહે યશની એક ઓવરમાં લગાતાર પાંચ છગ્ગા માર્યા હતા અને પોતાની ટીમને જીત અપાવી હતી.

આજે સવારે યશના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક કાર્ટૂન મૂકવામાં આવ્યું હતું જે એક ચોક્કસ કોમને બદનામ કરનારું હતું. તે વિશે ઉહાપોહ થયા બાદ યશે તેને ડિલીટ કર્યું હતું અને માફી માગી હતી. સાંજે, ગુજરાત ટાઈટન્સના જનસંપર્ક વિભાગની ટીમના એક નિવેદનમાં જણાવાયું હતું કે યશ દયાલે દાવો કર્યો છે કે એના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ સાથે છેડછાડ કરવામાં આવી હોવા વિશે તેણે ઈન્સ્ટાગ્રામના સત્તાવાળાઓને ફરિયાદ કરી છે.